
બોટાદ, 13 જુલાઈ (હિ.સ.) : ગઢડા નગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસને વધુ વેગ આપવા માટે વોર્ડ નં. 4માં આશરે રૂ. 40 લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના પ્રમુખ કિશોર ખાચર અને કારોબારી ચેરમેન સુરેશ ડવના હસ્તે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે રૂસ્તમભાઈ મલેક, અરુણાબેન રાઠોડ સહિત સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન વિકાસ કાર્યોને સમયસર અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
વોર્ડ નં. 4માં હાથ ધરાનારા વિકાસ કાર્યોમાં નવીન RCC રોડનું નિર્માણ, ભૂગર્ભ ગટર યોજનાનું કામ તેમજ પીવાના પાણીની નવી લાઇન નાખવાનું કામ મુખ્યત્વે સામેલ છે. આ તમામ કામગીરી પૂર્ણ થયા બાદ વિસ્તારના રહેવાસીઓને રસ્તા, ગટર અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ વધુ સુલભ બનશે. વરસાદી ઋતુ દરમિયાન સર્જાતી મુશ્કેલીઓમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે અને સ્વચ્છતા તેમજ આરોગ્યની દૃષ્ટિએ પણ વિસ્તારને લાભ મળશે.
નગરપાલિકાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે વોર્ડ નં. 4ના વિકાસ માટે ટૂંક સમયમાં વધુ આશરે રૂ. 50 લાખના વિવિધ વિકાસ કામોને પણ મંજૂરી આપવામાં આવશે. બાકી રહેલા તમામ વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ થાય તે માટે નગરપાલિકા તંત્ર સંપૂર્ણપણે કટિબદ્ધ છે.
સ્થાનિક રહેવાસીઓએ ગઢડા નગરપાલિકાની વિકાસલક્ષી કામગીરીને આવકારી હતી અને જણાવ્યું હતું કે લાંબા સમયથી જરૂરી બનેલી સુવિધાઓ હવે ઉપલબ્ધ બનતા વિસ્તારના લોકોના રોજિંદા જીવનમાં મોટી રાહત મળશે. વોર્ડ નં. 4ના રહેવાસીઓએ ગઢડા નગરપાલિકાના પ્રમુખ કિશોરભાઈ ખાચર તથા કારોબારી ચેરમેન સુરેશભાઈ ડવનો આભાર વ્યક્ત કરી વિકાસના આ કાર્યને ગઢડાના સર્વાંગી વિકાસ તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA