
સુરત, 13 જુલાઈ (હિ.સ.) : સુરતના કતારગામ વિસ્તારમાં 13 જુલાઈની વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વાળીનાથ સર્કલથી ઘનમોરા ચાર રસ્તા તરફ જતાં માર્ગ પર વિહાર સોસાયટી નજીક પૂરઝડપે દોડી રહેલી કિયા સેલ્ટોસ કાર અચાનક બેકાબૂ બની ગઈ હતી. કાર રસ્તા કિનારે પાર્ક કરેલી બે કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે અકસ્માત સર્જાયા બાદ કિયા કાર પલટી મારી ગઈ હતી. ઘટનાના સીસીટીવી દૃશ્યો પણ સામે આવ્યા છે, જ્યારે કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, વહેલી સવારે અંદાજે 3:30થી 4 વાગ્યાની વચ્ચે બનેલા આ અકસ્માતમાં કિયા કાર પહેલા પાર્ક કરેલી મારુતિ સુઝુકી વેગનઆર સાથે અથડાઈ હતી. ટક્કરની અસર એટલી જોરદાર હતી કે વેગનઆર આગળ ઉભેલી બ્રેઝા કાર સાથે પણ અથડાઈ ગઈ. ઘટનામાં બંને પાર્ક કરેલી કારને ભારે નુકસાન થયું છે, જ્યારે કિયા કાર પણ પલટી જતાં તેને પણ મોટું નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતમાં વેગનઆર અને બ્રેઝા કારના માલિકોને મળીને અંદાજે ₹1.50 લાખનું નુકસાન થયું હોવાનું જણાવાયું છે. વેગનઆરના માલિકે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા કારચાલક સામે BNSની સંબંધિત કલમો તેમજ મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ અને વાહનના નંબરના આધારે ફરાર ચાલકને શોધવા માટે પોલીસે કાર્યવાહી તેજ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે