સુરતમાં અભ્યાસના તણાવથી 12 વર્ષનો વિદ્યાર્થી ટ્યુશનમાંથી નીકળી ટ્રેનમાં બેઠો, 150 CCTVની મદદથી મળી આવ્યો
સુરત, 14 જુલાઈ (હિ.સ.): સુરતના વરાછા વિસ્તારમાં રહેતા 12 વર્ષીય વિદ્યાર્થીએ અભ્યાસ અને પરીક્ષાના વધતા દબાણ વચ્ચે ટ્યુશન ક્લાસમાંથી બહાર નીકળી ટ્રેનમાં બેસી જતાં પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. પરિવારની ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને અન
Surat


સુરત, 14 જુલાઈ (હિ.સ.): સુરતના વરાછા વિસ્તારમાં રહેતા 12 વર્ષીય વિદ્યાર્થીએ અભ્યાસ અને પરીક્ષાના વધતા દબાણ વચ્ચે ટ્યુશન ક્લાસમાંથી બહાર નીકળી ટ્રેનમાં બેસી જતાં પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. પરિવારની ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને અનેક CCTV ફૂટેજની મદદથી બાળક સુરત રેલવે સ્ટેશન તરફ ગયો હોવાનું જાણવા મળ્યું. ત્યારબાદ રેલવે પોલીસના સહયોગથી મહારાષ્ટ્રના દહાણુ રેલવે સ્ટેશન પરથી તેને સુરક્ષિત શોધી કાઢવામાં આવ્યો.

તપાસ દરમિયાન પોલીસે 150થી વધુ CCTV કેમેરાની તપાસ કરીને બાળકની હિલચાલનો પત્તો મેળવ્યો હતો. બાળક ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હોવાની માહિતી મળતાં જ GRP અને RPFને એલર્ટ કરવામાં આવ્યા હતા. દહાણુ સ્ટેશન પર એકલો બેઠેલો મળી આવતા તેને સુરક્ષિત કસ્ટડીમાં લઈને સુરત પોલીસને સોંપવામાં આવ્યો. પોલીસ સ્ટેશનમાં બાળકને જોઈ માતા-પિતા ભાવુક બની ગયા હતા.

પોલીસની પૂછપરછમાં વિદ્યાર્થીએ જણાવ્યું કે પરીક્ષા અને સતત મળતા હોમવર્કના કારણે તે માનસિક તણાવ અનુભવતો હતો. ગણિત અને અંગ્રેજી સિવાયના વિષયોમાં રસ ન હોવાથી તેણે અગાઉથી જ ઘર છોડવાની યોજના બનાવી હતી. પરિવારથી મળતું દબાણ, રમતો માટે પૂરતી તક ન મળવી અને દાદા-દાદીથી અલગ રહેવાના કારણે પણ તે એકલતા અનુભવી રહ્યો હતો.

આ સમગ્ર ઘટના માતા-પિતા અને શિક્ષકો માટે ચેતવણીરૂપ માનવામાં આવી રહી છે. બાળકો પર માત્ર સારા પરિણામ માટે દબાણ લાવવાને બદલે તેમની લાગણીઓ, રસ અને માનસિક સ્થિતિને સમજવી જરૂરી છે. ખુલ્લો સંવાદ, પ્રોત્સાહન અને હળવું વાતાવરણ બાળકોને આવા ઉતાવળભર્યા નિર્ણયોથી દૂર રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande