20 ટકા વળતરની લોભામણી સ્કીમનો ભાંડાફોડ: ફરિયાદકા ગામના બે આરોપીઓ પાસેથી રૂ. 35.94 લાખનો મુદ્દામાલ કબજે
ભાવનગર, 14 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 20 ટકા વળતરની લોભામણી રોકાણ સ્કીમના ગુનાની તપાસમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને મહત્વની સફળતા મળી છે. પોલીસ દ્વારા પકડાયેલા ફરિયાદકા ગામના બે આરોપીઓ પાસેથી રોકડા રૂ. 20 લાખ સહિત
પકડાયેલ મુદ્દા માલ


ભાવનગર, 14 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 20 ટકા વળતરની લોભામણી રોકાણ સ્કીમના ગુનાની તપાસમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને મહત્વની સફળતા મળી છે. પોલીસ દ્વારા પકડાયેલા ફરિયાદકા ગામના બે આરોપીઓ પાસેથી રોકડા રૂ. 20 લાખ સહિત કુલ રૂ. 35.94 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આ કેસમાં સંજયભાઈ મૂળજીભાઈ ધામેચા (ઉં. 44) અને યોગેશભાઈ વેલજીભાઈ ધામેચા (ઉં. 30), બંને રહે. ફરિયાદકા ગામ, સામે ભારતીય ન્યાય સંહિતા-2023 તેમજ જીપીઆઈડી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન આરોપીઓએ રોકાણકારોના નાણાંમાંથી ખરીદેલી મિલકતો અને પોતાની પાસે રાખેલા રોકડ અંગે કબૂલાત આપી હતી.

આ કબૂલાતના આધારે પોલીસે રૂ. 20 લાખની રોકડ રકમ, રૂ. 8.23 લાખના સોનાના દાગીના, રૂ. 7 લાખ કિંમતની સુઝુકી ડિઝાયર કાર, રૂ. 70 હજારનું એક્સેસ સ્કૂટર, નોટ ગણવાનું મશીન તેમજ હિસાબના બે ચોપડા મળી કુલ રૂ. 35,94,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.

તપાસ દરમિયાન ફરિયાદી સહિત કુલ 103 સાક્ષીઓના નિવેદનો લેવામાં આવ્યા છે. અત્યાર સુધીની તપાસમાં આરોપીઓ દ્વારા રોકાણકારોના કુલ રૂ. 6,19,24,588 પરત આપવાના બાકી હોવાનું સામે આવ્યું છે, જે કૌભાંડનું મોટું પ્રમાણ દર્શાવે છે.

ભાવનગર જિલ્લા પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે, ફરિયાદકા ગામના સંજયભાઈ ધામેચા અથવા યોગેશભાઈ ધામેચા પાસે રોકાણ કરેલું હોય અને પાકતી રકમ અથવા મૂળ મૂડી પરત ન મળી હોય તો જરૂરી દસ્તાવેજો અને પુરાવા સાથે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ કચેરીનો સંપર્ક કરી કાયદેસરની કાર્યવાહી કરાવવી. પોલીસે વધુ પીડિતોને આગળ આવી ફરિયાદ નોંધાવવા પણ અનુરોધ કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande