
ભાવનગર, 14 જુલાઈ (હિ.સ.) ભાવનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર ડૉ. મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં ચાલી રહેલી જળ પુરવઠા અને સ્વચ્છતા સંબંધિત વિવિધ યોજનાઓની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી તેમજ સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટરે ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપ્યા બાદ હર ઘર જલ સર્ટિફિકેશનની કામગીરી, બાકી રહેલી ઓડિટ, પાણી વેરાની વસુલાત, શાળા અને આંગણવાડીઓમાં પીવાના શુદ્ધ પાણીની ઉપલબ્ધતા તથા પાણીની ગુણવત્તા ચકાસણી અંગેની કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી. ઉપરાંત, વાસ્મો હેઠળ અમલમાં રહેલી વિવિધ યોજનાઓ સમયસર અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા વધુ મજબૂત બને અને પાણી વિતરણ વ્યવસ્થામાં સુધારો થાય તે હેતુસર ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા અમલમાં મૂકાયેલા રીજુવીનેશન અને સ્પેશિયલ કોમ્પોનેન્ટ કાર્યક્રમ હેઠળ કુલ છ વિકાસકામોને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી.
મંજૂર થયેલા કામોમાં ભાવનગર તાલુકાના ખડસલિયા ગામે કૂવા માટે ટ્રાયલ બોર બનાવવા રૂ. 38 હજાર, મહુવા તાલુકાના મોણપર ગામે હાલના સંપ પર પમ્પિંગ મશીનરી માટે રૂ. 67 હજાર, પાલીતાણા તાલુકાના રતનપર ગામે પમ્પિંગ મશીનરી માટે રૂ. 1.06 લાખ, સિહોર તાલુકાના આંબલા ગામે સ્પેશિયલ કોમ્પોનેન્ટ કાર્યક્રમ હેઠળ હાલના બોર પર પમ્પિંગ મશીનરી માટે રૂ. 4.09 લાખ, તળાજા તાલુકાના પિંગળી ગામે ટ્રાયલ બોર માટે રૂ. 40 હજાર તથા ગારીયાધાર તાલુકાના માનપુર ગામે હાલના બોર પર પમ્પિંગ મશીનરી માટે રૂ. 1.46 લાખના વિકાસકામોનો સમાવેશ થાય છે.
બેઠકમાં અધિકારીઓને તમામ મંજૂર થયેલા વિકાસકામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છ અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ઉપલબ્ધ રહે તે માટે સતત દેખરેખ રાખવાની સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA