

વડોદરા , 14 જુલાઈ (હિ.સ.) વડોદરા જિલ્લાના બાજવા ગામમાં વિકાસકાર્યોની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. ગામના ચોરામાં માત્ર પાંચ મહિના પહેલાં બનાવાયેલા RCC રોડમાં તિરાડો પડતાં ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકો કામમાં હલકી ગુણવત્તાના ઉપયોગની આશંકા વ્યક્ત કરી રહ્યા છે.
વડોદરા જિલ્લાના બાજવા ગામના ચોરામાં અંદાજે પાંચ મહિના પહેલાં RCC રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ રોડ બન્યાને હજુ બહુ સમય ન થયો હોવા છતાં તેમાં અનેક જગ્યાએ તિરાડો દેખાવા લાગી છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, નવા રોડમાં આટલા ટૂંકા સમયમાં તિરાડો પડવી ગંભીર બાબત છે. જેના કારણે કામની ગુણવત્તા અને નિર્માણ પ્રક્રિયા અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે.ગ્રામજનોનો આક્ષેપ છે કે રોડના નિર્માણમાં ગુણવત્તાનો પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો નથી, જેના કારણે જાહેર નાણાંથી બનેલો રોડ ટૂંકા ગાળામાં જ બિસ્માર બનવા લાગ્યો છે.
આ ઘટનાએ વિકાસકાર્યોમાં પારદર્શિતા અને ગુણવત્તા નિયંત્રણ અંગે ચર્ચા જગાવી છે. સ્થાનિકોએ સમગ્ર મામલે જવાબદાર વિભાગ દ્વારા સ્થળ તપાસ કરાવી રોડની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે અને જો કોઈ અનિયમિતતા સામે આવે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.
વિકાસકાર્યોનો હેતુ જનતાને લાંબા ગાળાની સુવિધા આપવાનો હોય છે. પરંતુ નવા રોડમાં જ તિરાડો પડતાં ગ્રામજનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. હવે સંબંધિત તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ