સ્મીમેર હોસ્પિટલમાં ચોથા માળેથી કૂદવાનો પ્રયાસ નિષ્ફળ, વોર્ડ બોય અને સિક્યોરિટી ટીમની સતર્કતાથી 25 વર્ષીય દર્દીનો જીવ બચ્યો
સુરત, 14 જુલાઈ (હિ.સ.): સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સોમવારે એક ગંભીર ઘટના સામે આવી હતી. માનસિક રોગ વિભાગમાં સારવાર લઈ રહેલો 25 વર્ષીય દર્દી અચાનક ચોથા માળે આવેલી બારીની બહાર નીકળી પેરાપેટ પર જઈને બેસી ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ
Surat


સુરત, 14 જુલાઈ (હિ.સ.): સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સોમવારે એક ગંભીર ઘટના સામે આવી હતી. માનસિક રોગ વિભાગમાં સારવાર લઈ રહેલો 25 વર્ષીય દર્દી અચાનક ચોથા માળે આવેલી બારીની બહાર નીકળી પેરાપેટ પર જઈને બેસી ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ યુવક આપઘાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઘટના દરમિયાન વોર્ડમાં હાજર અન્ય દર્દીઓ કે તેમના સ્વજનોને શરૂઆતમાં આ બાબતની જાણ થઈ નહોતી. જોકે, ત્યાંથી પસાર થઈ રહેલા વોર્ડ બોય રાહુલે યુવકને જોખમી સ્થિતિમાં જોયો અને પરિસ્થિતિની ગંભીરતા સમજી તાત્કાલિક હોસ્પિટલની સિક્યોરિટી ટીમને જાણ કરી હતી.

ત્યારબાદ વોર્ડ બોય અને સિક્યોરિટી ગાર્ડ્સે સંપૂર્ણ સાવચેતી સાથે યુવકની નજીક પહોંચી તેને વાતોમાં વ્યસ્ત રાખ્યો. યોગ્ય તક મળતા જ ટીમે યુવકને મજબૂતીથી પકડી લીધો અને સુરક્ષિત રીતે બારીની અંદર ખેંચી લીધો. સમયસર કરવામાં આવેલા આ રેસ્ક્યુ ઓપરેશનને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

રેસ્ક્યુ બાદ યુવકને ફરીથી વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં ડોક્ટરોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલુ રાખવામાં આવી રહી છે. આ ઘટનાથી હોસ્પિટલમાં થોડા સમય માટે ચિંતાનો માહોલ સર્જાયો હતો, જ્યારે વોર્ડ બોય રાહુલ અને સિક્યોરિટી ટીમની સતર્કતા તથા બહાદુરીને હોસ્પિટલ તંત્ર દ્વારા પ્રશંસા મળી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande