સુરતમાં ન્યાયની આશા રાખનાર પરિવાર સાથે વિશ્વાસઘાત, વકીલ પર સગીરાના શોષણનો આરોપ
સુરત, 14 જુલાઈ (હિ.સ.): સુરતમાં 13 વર્ષની કિશોરી સાથે ગંભીર યૌન શોષણનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અપહરણ અને દુષ્કર્મના અગાઉના કેસમાં પીડિત પરિવારનો પક્ષ લડી રહેલા વકીલ પર જ સગીરાને વિશ્વાસમાં લઈ બ્લેકમેઈલ કરીને દુષ્કર્મ આચરવાનો આરોપ લાગ્યો છે.
Surat


સુરત, 14 જુલાઈ (હિ.સ.): સુરતમાં 13 વર્ષની કિશોરી સાથે ગંભીર યૌન શોષણનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અપહરણ અને દુષ્કર્મના અગાઉના કેસમાં પીડિત પરિવારનો પક્ષ લડી રહેલા વકીલ પર જ સગીરાને વિશ્વાસમાં લઈ બ્લેકમેઈલ કરીને દુષ્કર્મ આચરવાનો આરોપ લાગ્યો છે. ફરિયાદ મળતા સચિન GIDC પોલીસે ઝડપથી કાર્યવાહી કરી આરોપી વકીલની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપી વકીલે કિશોરીના પિતાને ફોન કરીને તેને પોતાના ઘરે કામ માટે મોકલવા કહ્યું હતું. સાથે જ અગાઉ ચાલતા કેસમાં નુકસાન પહોંચાડવાની ધમકી આપતાં પરિવાર દબાણમાં આવી ગયો અને કિશોરીને તેની સાથે મોકલી હતી. ત્યારબાદ આરોપી તેને ડિંડોલી સ્થિત પોતાના નિવાસસ્થાને લઈ ગયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

ફરિયાદ અનુસાર, ઘરે લઈ ગયા બાદ આરોપીએ કિશોરી સાથે બળજબરીથી દુષ્કર્મ અને અકુદરતી કૃત્ય કર્યું હતું. એટલું જ નહીં, સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી તેને કોઈને જાણ ન કરવા માટે બ્લેકમેઈલ પણ કરાઈ હતી. ઘટનાથી ભયભીત બનેલી કિશોરીએ ઘરે પરત ફર્યા બાદ સમગ્ર હકીકત પોતાના પિતાને જણાવી, જેના આધારે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

આ કેસમાં પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) તેમજ પોક્સો (POCSO) અધિનિયમની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસ દરમિયાન આરોપી સામે અગાઉથી પણ વિવિધ પ્રકારના છ ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. હાલ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને કેસ સંબંધિત તમામ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande