અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પોરબંદર સ્ટેશન ખાતે ચિત્રકલા અને નિબંધ સ્પર્ધાઓનું આયોજન લગભગ 800 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, 17 જુલાઈએ થશે સન્માનિત
ભાવનગર 14 જુલાઈ (હિ.સ.) અમૃત ભારત સ્ટેશન યોજના (ABSS) અંતર્ગત પોરબંદર રેલવે સ્ટેશન ખાતે વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને જનજાગૃતિને પ્રોત્સાહન આપવા માટે તા. 13 જુલાઈના રોજ ચિત્રકલા (Drawing) અને નિબંધ (Essay) સ્પર્ધાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું હતુ
અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પોરબંદર સ્ટેશન ખાતે


ભાવનગર 14 જુલાઈ (હિ.સ.) અમૃત ભારત સ્ટેશન યોજના (ABSS) અંતર્ગત પોરબંદર રેલવે સ્ટેશન ખાતે વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને જનજાગૃતિને પ્રોત્સાહન આપવા માટે તા. 13 જુલાઈના રોજ ચિત્રકલા (Drawing) અને નિબંધ (Essay) સ્પર્ધાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન તેમજ વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી હુબલાલ જગનના નેતૃત્વ અને દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું.

પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે સ્પર્ધાઓમાં પોરબંદરની પાંચ પ્રતિષ્ઠિત શાળાઓ—મહારાણી રૂપાલીબા વિદ્યાલય, નવયુગ વિદ્યાલય, બાલૂબા કન્યા વિદ્યાલય, કે. બી. જોશી કન્યા વિદ્યાલય તથા ભાવસિંહજી સરકારી હાઈસ્કૂલ—ના લગભગ 800 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મક પ્રતિભા, કલ્પનાશક્તિ અને અભિવ્યક્તિ કૌશલ્યનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે આ સ્પર્ધાઓનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં અમૃત ભારત સ્ટેશન યોજના, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ તથા ભારતીય રેલવેના વિકાસ અને આધુનિકીકરણ પ્રત્યે જાગૃતિ વિકસાવવાનો હતો. સ્પર્ધકો દ્વારા રજૂ કરાયેલા ચિત્રો અને નિબંધોમાં નવીન વિચારસરણી, સામાજિક સંદેશ તેમજ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેનો સકારાત્મક અભિગમ સ્પષ્ટપણે પ્રતિબિંબિત થયો હતો.

સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ તેમજ વિજેતાઓને વીડિયો કોન્ફરન્સ મારફતે યોજાનારા પોરબંદર સ્ટેશનના લોકાર્પણ સમારોહ દરમિયાન તા. 17 જુલાઈના રોજ સન્માનિત કરવામાં આવશે. આ પ્રસંગે તેમને પ્રશસ્તિપત્રો અને સ્મૃતિચિહ્નો અર્પણ કરવામાં આવશે.

પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમની સફળતામાં તમામ શાળાઓના પ્રાચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓનું નોંધપાત્ર યોગદાન રહ્યું હતું. મંડળ પ્રશાસને તમામ સહભાગીઓને તેમની ઉત્કૃષ્ટ ભાગીદારી બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આવા સર્જનાત્મક, શૈક્ષણિક તથા જનજાગૃતિના કાર્યક્રમોમાં સક્રિયપણે જોડાવા માટે પ્રેરણા આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande