

પાટણ, 14 જુલાઈ (હિ.સ.)પાટણની ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં સેવાકીય અને પ્રોત્સાહક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગ અને અનાથ વિદ્યાર્થીઓને નિશુલ્ક ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું, જ્યારે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા.
માનવ સેવા ટ્રસ્ટ ગુજરાતના પ્રમુખ દીપક મકવાણાની આગેવાની હેઠળ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યમાં પ્રતીકભાઈ પટેલ (યુએસએ), પ્રશા પટેલ અને આયાંશ પટેલે સહયોગ આપ્યો હતો. ઉપરાંત માનવ જ્યોત-ભુજના પ્રમોદ શાહના સહયોગથી બાલવાટિકાથી ધોરણ 8 સુધીના પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા.
કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત યુવક મંડળના સહમંત્રી અશોકભાઈ પટેલ, મનોજભાઈ પટેલ, કેતાબેન પટેલ, સંજયભાઈ પટેલ, દીપકભાઈ મકવાણા, મયંકભાઈ મકવાણા, હંસાબેન ભોજ, મનોજભાઈ જેઠવા, વિજયભાઈ વાળા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ શિક્ષણ અને સેવાભાવને પ્રોત્સાહન આપતી આ પહેલને બિરદાવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ