
પાટણ, 14 જુલાઈ (હિ.સ.) ચાણસ્મા નાગરિક બેંકમાં ફરજ પરના કર્મચારીઓ સાથે એક શખ્સે ગાળાગાળી કરી છરી બતાવી હુમલો કરવાનો પ્રયાસ કરતાં ભારે અફરાતફરી મચી હતી. આરોપીએ કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપતાં સ્ટાફે તાત્કાલિક 112 પર પોલીસને જાણ કરી હતી.
ફરિયાદ મુજબ ધીરેનકુમાર અમૃતલાલ પટેલ બેંકમાં આવી કોઈ કારણ વગર સ્ટાફ સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. કર્મચારીઓએ તેને બહાર મોકલ્યો હતો, પરંતુ તે ફરી ગેટ પાસે આવી અંદર ઘૂસવાનો પ્રયાસ કરવા લાગ્યો.
આ દરમિયાન આરોપીએ ખિસ્સામાંથી પ્લાસ્ટિકના હાથાવાળી છરી કાઢી કર્મચારીઓ પર ધસી જઈ ધમકીઓ આપી હતી. સમગ્ર ઘટના બેંકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
બેંકના જનરલ મેનેજર નીતિન પટેલની ફરિયાદના આધારે ચાણસ્મા પોલીસે BNS કલમ 296(B), 351(3), 329(3) તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ