સરકારે જાહેર કરેલી નવી વળતર નીતિનો ખેડૂતો દ્વારા ખુલ્લો વિરોધ,મોરબી કલેક્ટર કચેરી સુધી રેલી
મોરબી/અમદાવાદ,14 જુલાઇ (હિ.સ.) ગુજરાતમાં સરકારે ખાનગી વીજ કંપનીઓના વીજપોલ માટે જાહેર કરેલી નવી વળતર નીતિનો ખેડૂતો દ્વારા ખુલ્લો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સરકારે જાહેર કરેલી આ નીતિના અસ્વીકાર બાદ ''આંદોલન પાર્ટ-3'' હેઠળ મોરબીની મહેન્દ્ર
Farmers rally to the Morbi Collectors office


મોરબી/અમદાવાદ,14 જુલાઇ (હિ.સ.) ગુજરાતમાં સરકારે ખાનગી વીજ કંપનીઓના વીજપોલ માટે જાહેર કરેલી નવી વળતર નીતિનો ખેડૂતો દ્વારા ખુલ્લો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સરકારે જાહેર કરેલી આ નીતિના અસ્વીકાર બાદ 'આંદોલન પાર્ટ-3' હેઠળ મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી કલેકટર કચેરી સુધી ખેડૂતોએ કૂચ કરી છે. મહિલાઓ અને ખેડૂતો સહિત અંદાજે 1200થી 1500 જેટલા લોકો રેલીમાં જોડાયા. ખેડૂતો દ્વારા કલેકટરને વિવિધ ગ્રામ પંચાયતોના લેટરપેડ સાથે નવા પરિપત્રનો વિરોધ વ્યક્ત કરશે અને તેમની માંગણી મુજબ વળતરની માગ કરવામાં આવશે

ખેડૂતોની મુખ્ય માંગણી છે કે, તેમના ખેતરોમાં ઊભા કરવામાં આવતા વીજપોલ સામે થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને તેમને પૂરતું વળતર આપવામાં આવે.ઉલ્લેખનીય છે કે, આ આંદોલનની શરૂઆત મોરબીના જેતપર ગામે થઈ હતી, જ્યાં ખેડૂતો ખાનગી વીજ કંપનીના વીજપોલ સામે પૂરતા અને સમયસર વળતરની માગ કરી રહ્યા હતા. અગાઉ પ્રતિક ઉપવાસ અને ત્યાર બાદ 19 દિવસ સુધી આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન સરકારે ખાનગી વીજ કંપનીના વીજપોલ અને કોરિડોર માટે નવી વળતર નીતિ જાહેર કરી હતી અને તેનો પરિપત્ર પણ બહાર પાડ્યો હતો.

સરકારે તાજેતરમાં ખાનગી વીજ કંપનીના વીજપોલ અને વાયરના વળતર અંગે નવી નીતિ જાહેર કરી છે, પરંતુ જેતપરના ખેડૂતોએ આ પરિપત્ર સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને કેવા પ્રકારનું આર્થિક નુકસાન થઈ શકે છે તે અંગે ચર્ચા કરવા માટે 8 જૂલાઈની રાત્રે 9:00 વાગ્યે મોરબીના જેતપર ગામે સૌરાષ્ટ્રના 12 જિલ્લાના ખેડૂત આગેવાનોની એક મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી.

આ બેઠકમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, તેઓ સરકાર દ્વારા નક્કી કરાયેલા વળતરને બદલે પોતાની ઈચ્છા મુજબનું વળતર મેળવવા માંગે છે. જો તેમના ખેતરોમાંથી થાંભલા ઉખેડવામાં નહીં આવે તો આગામી 2027ની ચૂંટણીમાં તેઓ સરકારને ઉખેડી નાખવા પણ તૈયાર છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande