

વડોદરા , 14 જુલાઈ (હિ.સ.)
ભરૂચ જિલ્લાના દહેજ GIDCમાંથી મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી કેતૂલ કેમિકલ કંપનીમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.
ભરૂચ જિલ્લાના દહેજ GIDC વિસ્તારમાં આવેલી કેતૂલ કેમિકલ કંપનીમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે.
આગ લાગતાની સાથે જ કંપની પરિસરમાં ધુમાડાના ગોટેગોટા ઊંચા ઉડતા જોવા મળ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં પણ ચિંતા અને દોડધામનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં દહેજ GIDC ફાયર સ્ટેશન સહિત વિવિધ ફાયર સ્ટેશનોની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે પાણી અને ફોમનો મારો ચલાવી બચાવ કામગીરી શરૂ કરી હતી.
પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. તેમજ જાનહાનિ કે કોઈ કર્મચારી ઇજાગ્રસ્ત થયો હોવાની સત્તાવાર માહિતી હજુ પ્રાપ્ત થઈ નથી.
સંબંધિત અધિકારીઓ દ્વારા આગના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. આગને કારણે કંપનીને થયેલા નુકસાનનું મૂલ્યાંકન પણ તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે.
દહેજ GIDC જેવા કેમિકલ ઉદ્યોગ વિસ્તારમાં આગની ઘટના હંમેશા ગંભીર માનવામાં આવે છે. હાલ ફાયર વિભાગ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહ્યો છે, જ્યારે સમગ્ર મામલે અધિકારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ