
પાટણ, 14 જુલાઈ (હિ.સ.) પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે આવેલી સર્વોદય ડેરીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રે આકસ્મિક દરોડો પાડી કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન લેબલ વગરનું 74 કિલોગ્રામ શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું હતું.
ફૂડ સેફ્ટી ઓફિસર એન. જે. ત્રિવેદીની ટીમે મોમીન તોશીફ મહંમદભાઈ સંચાલિત ડેરી યુનિટમાંથી ઘીના બે નમૂના લઈને સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલ્યા છે. જપ્ત કરાયેલા ઘીની અંદાજિત કિંમત ₹26,640 હોવાનું જણાવાયું છે.
તપાસ દરમિયાન ડેરીમાં સફાઈ અને ખાદ્ય સુરક્ષા નિયમોના પાલનમાં અનેક ખામીઓ પણ સામે આવી હતી. જેના પગલે સંચાલકને સુધારણા નોટિસ (Improvement Notice) ફટકારવામાં આવી છે.
લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ ઘીની ગુણવત્તા અંગે સ્થિતિ સ્પષ્ટ થશે. રિપોર્ટના આધારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ