
સોમનાથ 14 જુલાઈ (હિ.સ.) સોમનાથ જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યાં છે. પોતાના પ્રાકૃતિક ખેત ઉત્પાદનોનું એફ.પી.ઓ મારફતે વેચાણ કરી અને સારી આવક રળી રહ્યાં છે. ખેડૂતોનો ઉત્સાહ વધે એ માટે કલેકટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ વેરાવળ તાલુકાના બાદલપરા ખાતે ગૌ યોગ કેન્દ્રની મુલાકાત લીધી હતી.કલેક્ટરએ ગૌ યોગ કેન્દ્રની મુલાકાત લઈ અને આ કેન્દ્ર ખાતે ચાલતી પ્રાકૃતિક ખેતી સહિત વિવિધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું.
પ્રાકૃતિક ખેતી મુખ્યત્વે જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, આચ્છાદન અને વાપ્સા સહિતના પાંચ આધારસ્તંભ પર ટકેલી છે. કલેક્ટરએ તમામ આધારસ્તંભો વિશે બારીકાઈથી જાણકારી મેળવી હતી અને પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન થતાં ખેત પેદાશોના માર્કેટિંગ અંગેના પ્રોજેક્ટ અંગે વિગત વાર ચર્ચા કરવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર પુષ્પકાંત સ્વર્ણકારે ગૌ યોગ કેન્દ્રની કામગીરી વિશે કલેક્ટરશ્રીને વિસ્તૃત રીતે અવગત કર્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, ગૌ યોગ કેન્દ્ર દ્વારા નારિયેળીના ડોડામાંથી તેની જુદી જુદી સામગ્રી નારિયેળને ક્રશ કરવામાં આવે છે. ક્રશ કરવાથી મળતી નાળિયેરની છાલને ખેતરમાં આચ્છાદન તરીકે ઉપયોગ કરી અને ખેતરને નિંદામણ મુકત રાખી શકાય તેમ છે.
વધુમાં નારિયેળીના વેસ્ટમાંથી કોકોપિટ તૈયાર કરી તેનું વેચાણ કરવામાં આવે છે. જેનો ઉપયોગ રોપા ઉછેર માટે કરી શકાય છે. વધુમાં ગૌ યોગ કેન્દ્ર ખાતે વિવિધ ગૌ શાળામાંથી સૂકો છાણ, ગૌમૂત્ર, તાજા ગોબર સાથે લાઇવ માટી, ચણાનો લોટ અને ગોળ ઈત્યાદિનો ઉપયોગ કરી પોષક તત્વોથી ભરપૂર ઘન જીવામૃત તૈયાર કરવામાં આવે છે.
કલેક્ટરએ આ તમામ ઉત્પાદનો અને તેને લગતી બાબતોનું નિરીક્ષણ કરી આગામી સમયમાં જિલ્લામાં ગૌ આધારિત પ્રોડક્ટનું વેચાણ વધે એ દિશામાં પ્રયત્ન કરવા માટે માર્ગદર્શિત કર્યા હતાં.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ