
સોમનાથ,14 જુલાઈ (હિ.સ.) વિશ્વમાં બિનપરંપરાગત ઉર્જાસ્ત્રોતો દ્વારા વીજઉત્પાદન પર ભાર આપવામાં આવી રહ્યો છે. વિશ્વમાં ક્લિન એનર્જી એ નવું ભવિષ્ય છે. ભારતમાં જ્યાં સૌરઉર્જા સમગ્ર વર્ષ દરમિયાન ઉપલબ્ધ છે, ત્યારે આ ઉર્જાનો ઉપયોગ કરીને વીજઉત્પાદન કરવા માટે રાજ્ય સરકાર સાથે કેન્દ્ર સરકાર પણ કટિબદ્ધ છે. સૌરઉર્જાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા સબસિડી સહિતના પ્રોત્સાહનો આપવામાં આવે છે. જેના કારણે જનસામાન્યમાં વીજ ઉત્પાદન કરવા માટેની સમજ પણ વધી છે.
ભારત સરકાર દ્વારા આવા જ એક ઉપક્રમ દ્વારા ભારતના વિવિધ ગામો દ્વારા સૌરવીજ ઉત્પાદન માટે ઉઠાવેલા પગલાઓના આધારે વિવિધ ગામોની પસંદગી કરવામાં આવી હતી. તે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડાની ‘મોડલ સોલર વિલેજ’ તરીકે પસંદગી કરવામાં આવી છે. જે જિલ્લા માટે ગૌરવસિદ્ધિ સમાન છે.
આ અંગે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને મોડેલ સોલર વિલેજ પસંદગી માટેની ડી.એલ.સી કમિટીની બેઠક યોજાઈ હતી.કન્વીનર અને સહ કન્વીનરની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં વડાપ્રધાન દ્વારા 13 ફેબ્રુઆરી,2024 ના રોજ જાહેર કરાયેલી પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત મોડલ સોલર વિલેજ અંતર્ગત ગામની પસંદગી કરવા વિશે ચર્ચા કરવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લાના કુલ 33 ગામો વચ્ચેની સ્પર્ધામાં ગીર ગઢડા ગામમાં સૌથી વધારે સોલાર કનેક્શન ઉપલબ્ધ હોવાથી ગીર ગઢડા ગામને મોડેલ સોલર વિલેજ તરીકે પસંદગી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લાના સેન્સસ 2011 ની સ્થિતિએ 5000 થી વધુ વસ્તી ધરાવતા ૩૩ ગામો દ્વારા મોડેલ સોલર વિલેજ સ્પર્ધામાં ભાગ લેવા પોર્ટલ પર નોંધણી કરાવી હતી.
આ સ્પર્ધાનો સમયગાળો પૂર્ણ થતાં નેશનલ પોર્ટલ પર ઉપલબ્ધ માહિતીના આધારે મોડેલ સોલર વિલેજ પસંદગી માટે નક્કી કરાયેલા માપદંડો મુજબ ગીરગઢડાની પસંદગી કરવામાં આવી હતી.હવે આગળના તબક્કામાં ગીર ગઢડામાં કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા MSVIA (મોડેલ સોલર વિલેજ ઈમ્પ્લીમેન્ટેશન એજન્સી) નીમવામાં આવશે. જેના દ્વારા ગામમાં જરૂરી સર્વે કરી અને આગળની જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ