
ગીર સોમનાથ 4 જુલાઈ (હિ.સ.)ગીર સોમનાથ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પૂર્વ છાત્ર ડો. વિનુ વાજાને અથર્વવેદમાં વર્ણિત કૃષિ વિષયક મંત્રોનું ભારતીય જ્ઞાન પરંપરાની દૃષ્ટિએ સંપાદન અને સરળ સંસ્કૃત, હિન્દી તથા ગુજરાતી ભાષામાં અનુવાદ કરવા અંગે ભારત સરકાર દ્વારા સંસ્થાપિત સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી-દિલ્લી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. 3 વર્ષ દરમિયાન રૂ.૧૩ લાખની ધનરાશિ આ પ્ર્રોજેક્ટ માટે મંજૂર કરવામાં આવી છે.
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આવી જ રીતે સંસ્કૃતના વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ પ્રાપ્ત કરતાં રહે તે જ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સફળતા અને ઓળખ છે.” – કુલપતિ પ્રો. સુકાન્ત કુમાર સેનાપતિ
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી માટે આ ગૌરવની વાત છે કે, ડો. વિનુ વાજા શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રથમ બેચના વિદ્યાર્થી રહ્યા છે. ડો. વિનુ વાજા એ અહીથી જ આચાર્ય-(M.A.), તત્ત્વચાર્ય-(M.Phil.) તથા વિદ્યાવારિધિ-(Ph.D.) જેવી મહત્ત્વની ડિગ્રીઑ પ્રાપ્ત કરી છે. ત્યારબાદ તેઓ NET, GSET જેવી પરીક્ષાઓમાં સંસ્કૃત વિષય સાથે ઉત્તીર્ણ થયા. સરકારી કોલેજમાં ૮ વર્ષના અધ્યાપન કાર્યનો અનુભવ કર્યા બાદ હાલ તેઓ શ્રી શારદાપીઠ આર્ટ્સ, કોમર્સ એન્ડ કોલેજ ઓફ એજ્યુકેશન-દ્વારકામાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવારત છે. તેઓ યુનિવર્સિટી સાથે આજે પણ છાત્ર ભાવ થી જોડાયેલાં છે અને પોતાની કક્ષાએથી વિવિધ પ્રકારની સેવાઓનું પ્રદાન કરી રહ્યા છે. આ સંશોધન કાર્યમાં ભારતવર્ષની દિવ્ય-ભવ્ય ધરોહર એવા ચાર વેદોમાંના એક અથર્વવેદના પ્રાકૃતિક-કૃષિવિષયક મંત્રોનું ભારતીય જ્ઞાન પરંપરાના આલોકમાં સંપાદન અને લોકભોગ્ય સરળ સંસ્કૃત-હિન્દી-ગુજરાતી એમ ત્રણ ભાષામાં અનુવાદ કરવામાં આવશે અને જે સાત અધ્યાયમાં પૂર્ણતા પ્રાપ્ત કરશે.
ડો. વિનુ વાજાનો સંશોધન પ્રોજેકટ મંજૂર થતાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સુકાન્ત સેનાપતિએ તેઓને આશીર્વાદ આપ્યા અને રાજીપો વ્યક્ત કરતાં શુભકામના પાઠવી અને જણાવ્યુ કે,- “શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આવી જ રીતે સંસ્કૃતના વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ પ્રાપ્ત કરતાં રહે તે જ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સફળતા અને ઓળખ છે.”
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ