
- અનાથ બાળકો માટે આશાનું સરનામું બની ‘પાલક માતા-પિતા યોજના
રાજપીપળા,14 જુલાઇ (હિ.સ.) બાળપણ એટલે નિઃસ્વાર્થ પ્રેમ, પરિવારની હૂંફ અને સપનાઓથી ભરેલું નિર્દોષ જીવન.પરંતુ જ્યારે કોઈ બાળકના માથા પરથી માતા-પિતાની છત્રછાયા નાની ઉંમરે જ ઊઠી જાય, ત્યારે તેના જીવનમાં અંધકાર છવાઈ જાય છે. આવા બાળકો માટે સૌથી મોટી જરૂરિયાત માત્ર આર્થિક સહાય નથી, પરંતુ એક એવા પરિવારની હોય છે જ્યાં તેમને સ્નેહ, સુરક્ષા અને પોતાના હોવાનો અહેસાસ મળી રહે.
ગુજરાત સરકારની 'પાલક માતા-પિતા યોજના' આવી જ સંવેદનશીલ વિચારધારા પર આધારિત છે. આ યોજના માત્ર સહાય આપતી નથી, પરંતુ અનાથ અને કાળજીની જરૂરિયાત ધરાવતા બાળકોને પરિવારના વાત્સલ્ય સાથે સ્વાભિમાનપૂર્વક જીવવાની નવી તક આપતી માનવતાભરી પહેલ છે. નર્મદા જિલ્લામાં “જિલ્લા બાળ સુરક્ષા એકમ” દ્વારા આ યોજનાનો અસરકારક અમલ થઈ રહ્યો છે. જેનાથી અનેક બાળકોના જીવનમાં આશાનું નવું કિરણ પ્રગટ્યું છે.
નાંદોદ તાલુકાના વરખડ ગામના બે માસૂમ ભાઈ-બહેને ખૂબ નાની ઉંમરે પોતાના માતા-પિતાને ગુમાવ્યા. માતા-પિતાના અવસાન બાદ દાદા-દાદીએ તેમને પ્રેમથી ઉછેરવાનો પ્રયાસ કર્યો, પરંતુ થોડા જ સમયમાં તેઓ પણ આ દુનિયાને અલવિદા કહી ગયા. સતત એક પછી એક થયેલા આઘાતથી બંને બાળકો સંપૂર્ણપણે નિરાધાર બની ગયા હતા.
આજે બહેન ધોરણ-1 માં અને ભાઈ ધોરણ-6માં અભ્યાસ કરી રહ્યા છે. બાળપણમાં જ જીવનના આવા કપરા સંજોગોનો સામનો કરવો કોઈપણ બાળક માટે અત્યંત દુઃખદ બાબત છે. આવા સમયે જો સમાજનો હાથ ન મળે તો બાળકોનું ભવિષ્ય અંધકારમય બની જાય છે.
આવા કપરા સમયમાં બંને બાળકોના કાકા યોગેશ શનાભાઈ વસાવાએ બાળકોની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી. તેમણે માત્ર પાલક વાલી તરીકે નામ નોંધાવ્યું નથી, પરંતુ સાચા અર્થમાં પિતાની ભૂમિકા નિભાવી બાળકોને પોતાના સંતાન સમાન પ્રેમ, સંભાળ અને સુરક્ષા આપી છે.
યોગેશ વસાવાની માનવતા સાથે સરકારની 'પાલક માતા-પિતા યોજના' જોડાતાં આ બંને બાળકોના જીવનમાં સ્થિરતા આવી છે.
જિલ્લા બાળ સુરક્ષા એકમના માર્ગદર્શન હેઠળ યોજનાનો લાભ મંજૂર થતાં બંને બાળકોને ભરણપોષણ અને શિક્ષણ માટે દર મહિને પ્રતિ બાળક રૂપિયા 3000 મુજબ કુલ રૂપિયા 6000ની સહાય સીધી તેમના બેંક ખાતામાં ડીબીટી મારફતે જમા થાય છે.
આ સહાય માત્ર આર્થિક ટેકો નથી, પરંતુ બાળકોનું શિક્ષણ અવિરત રહે, તેઓ આત્મવિશ્વાસ સાથે આગળ વધે અને સ્વમાનભર્યું જીવન જીવી શકે તે માટે સરકારની સંવેદનશીલ પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. યોજનાની ખાસિયત એ છે કે, બાળક અભ્યાસ ચાલુ રાખે ત્યાં સુધી સહાય આપવામાં આવે છે, જેથી શિક્ષણને પણ પ્રોત્સાહન મળે છે.
નર્મદા જિલ્લા બાળ સુરક્ષા એકમ સતત એવા બાળકોને શોધી તેમની ઓળખ કરે છે, જેઓ માતા-પિતાની સંભાળથી વંચિત છે અથવા વિશેષ કાળજીની જરૂરિયાત ધરાવે છે. આવા બાળકોને સંસ્થામાં મોકલવાના બદલે શક્ય હોય ત્યાં સુધી તેમના નજીકના સગા-સંબંધીઓ સાથે જ પરિવારના વાતાવરણમાં ઉછેર મળે તે માટે પ્રયાસ કરવામાં આવે છે.
બાળકોના અધિકારોનું રક્ષણ, શિક્ષણની સતત વ્યવસ્થા, જરૂરી માર્ગદર્શન, સરકારી યોજનાઓનો લાભ અને પરિવારને જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવાની કામગીરી જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા નિયમિતપણે કરવામાં આવે છે. પરિણામે અનેક બાળકોને ફરીથી જીવનમાં આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની તક મળી રહી છે.
બાળક સાથે નજીકનો લોહીનો સંબંધ ધરાવતા અને તેની જવાબદારી સ્વીકારવા ઇચ્છુક દાદા-દાદી, નાના-નાની, કાકા-કાકી, મામા-મામી, ફોઈ-ફુવા, માસા-માસી અથવા મોટા ભાઈ-બહેન પાલક વાલી બની શકે છે. સરકાર દ્વારા નક્કી કરેલી પાત્રતા અનુસાર અરજી કરીને બાળકને યોજનાનો લાભ અપાવી શકાય છે.
વરખડ ગામના આ ભાઈ-બહેનની કહાની માત્ર એક પરિવારની વાત નથી, પરંતુ સમાજ અને સરકાર સાથે મળીને કોઈપણ બાળકનું જીવન કેવી રીતે બદલી શકે તેનું જીવંત ઉદાહરણ છે. એક તરફ યોગેશભાઈ વસાવા જેવા સંવેદનશીલ પાલક વાલીએ બાળકોને પરિવારનો પ્રેમ આપ્યો અને બીજી તરફ સરકારની પાલક માતા-પિતા યોજનાએ તેમને આર્થિક સુરક્ષા આપી. આ બંને બાબતોના સમન્વયથી બાળકોના ચહેરા પર સ્મિત પરત આવ્યું છે.
ખરેખર, અનાથ બાળકને માત્ર સહાનુભૂતિની નહીં, પરંતુ તકની જરૂર હોય છે. પરિવારનો પ્રેમ, સમાજનો સાથ અને સરકારની સંવેદનશીલ યોજનાઓ સાથે જોડાય ત્યારે કોઈપણ બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે છે.
આજના સમયમાં જરૂર છે કે, વધુમાં વધુ સક્ષમ પરિવારો આવા બાળકોના જીવનમાં આશાનો દીપક પ્રગટાવે. કારણ કે દરેક બાળકને માત્ર જીવવાનો નહીં, પરંતુ પ્રેમ, સુરક્ષા અને સન્માન સાથે જીવન જીવવાનો અધિકાર છે.
આ યોજના વિશે વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, જિલ્લા સેવાસદન,રાજપીપલા અને જિલ્લા બાળ સુરક્ષા એકમ કચેરી, જિલ્લા સેવાસદન,રાજપીપલાનો સંપર્ક કરી શકાય છે અથવા ચાઈલ્ડ હેલ્પલાઈન 1098 પર પણ સંપર્ક કરી શકાય છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ