
પાટણ, 14 જુલાઈ (હિ.સ.)પાટણમાં ભગવાન શ્રી જગન્નાથજીની 144મી રથયાત્રાના અનુસંધાને શ્રી જગન્નાથજી મંદિર ટ્રસ્ટ અને આર્યવ્રત નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 'જગન્નાથ પ્રકૃતિ વન'નું નિર્માણ શરૂ કરવામાં આવ્યું. પ્રકૃતિ એ જ પરમાત્મા અને છોડમાં રણછોડના સંકલ્પ સાથે યોજાયેલા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટરના હસ્તે પ્રથમ વૃક્ષારોપણ કરીને કરવામાં આવ્યું હતું.
વૃક્ષારોપણ પહેલાં કલેક્ટરે જગન્નાથજી મંદિરમાં ભગવાનના દર્શન, પૂજન-અર્ચન અને આરતીમાં ભાગ લઈને નગરની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટીઓ, રથયાત્રા સમિતિના હોદ્દેદારો, પૂજારી કનુ મહારાજ, વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓની હાજરીમાં વિવિધ ઔષધીય તથા છાયાપ્રદ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનોએ પણ ઉત્સાહભેર વૃક્ષારોપણ કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષનું વાવેતર અને તેનું જતન પ્રકૃતિ તથા ભગવાન શ્રી જગન્નાથજીની સાચી સેવા હોવાનું જણાવ્યું હતું. 'જગન્નાથ પ્રકૃતિ વન' પાટણના પર્યાવરણને હરિયાળું અને સ્વચ્છ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ