16 જુલાઈની જગન્નાથ રથયાત્રા પહેલાં સુરત પોલીસ એલર્ટ, 11 યાત્રાઓ માટે કડક સુરક્ષા અને ટ્રાફિક આયોજન
સુરત, 14 જુલાઈ (હિ.સ.): સુરત શહેરમાં 16 જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્રએ વ્યાપક સુરક્ષા આયોજન અમલમાં મૂક્યું છે. આ વર્ષે શહેરમાં પરંપરાગત યાત્રાઓ સહિત કુલ 11 રથયાત્રાઓ યોજાનાર હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ
16 જુલાઈની જગન્નાથ રથયાત્રા પહેલાં સુરત પોલીસ એલર્ટ, 11 યાત્રાઓ માટે કડક સુરક્ષા અને ટ્રાફિક આયોજન


સુરત, 14 જુલાઈ (હિ.સ.): સુરત શહેરમાં 16 જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્રએ વ્યાપક સુરક્ષા આયોજન અમલમાં મૂક્યું છે. આ વર્ષે શહેરમાં પરંપરાગત યાત્રાઓ સહિત કુલ 11 રથયાત્રાઓ યોજાનાર હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતા છે. કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે સમગ્ર પોલીસ વિભાગ એલર્ટ મોડમાં કાર્યરત છે.

તાજેતરમાં રાજ્ય પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સાથે યોજાયેલી સમીક્ષા બેઠકમાં મળેલા માર્ગદર્શનના આધારે સુરત પોલીસ કમિશનરના નેતૃત્વ હેઠળ સુરક્ષા પ્લાનને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. વિવિધ ઝોનના પોલીસ અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને અન્ય વિભાગોને અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે, જેથી સમગ્ર આયોજન પર સતત નજર રાખી શકાય.

રથયાત્રાના તમામ માર્ગો પર ડ્રોન દ્વારા હવાઈ દેખરેખ રાખવામાં આવશે, જ્યારે શહેરના કંટ્રોલ રૂમમાંથી પણ સતત મોનિટરિંગ થશે. ટ્રાફિક વ્યવસ્થાને સરળ બનાવવા માટે ગ્રીન કોરિડોર, જરૂરી સ્થળોએ ડાયવર્ઝન અને કેટલાક માર્ગો પર સમયબદ્ધ વાહનવ્યવહાર પ્રતિબંધ જેવી વ્યવસ્થા કરવામાં આવશે. જરૂરિયાત મુજબ વૈકલ્પિક રૂટ અંગે પણ લોકોને અગાઉથી જાણ કરવામાં આવશે.

રથયાત્રા પહેલાં સંવેદનશીલ વિસ્તારોમાં નાઈટ કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. ઉપરાંત એકતા સમિતિના સભ્યો, સાધુ-સંતો, સ્થાનિક આગેવાનો અને આયોજકો સાથે સતત સંકલન કરીને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. પોલીસે નાગરિકોને ટ્રાફિક સૂચનાઓનું પાલન કરવા, અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ તાત્કાલિક પોલીસને કરવા અપીલ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande