પ્રભારી સચિવએ કેશોદ, માળિયા હાટીના અને માંગરોળમાં પડેલા ભારે વરસાદ છતાં ‘ઝીરો કેઝ્યુઆલિટી’ માટે વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી
જુનાગઢ 14 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના પ્રભારી સચિવ દિલીપ રાણાએ આજે જિલ્લામાં ભારે વરસાદથી થયેલા નુકસાનની સાથે જનહિતને સ્પર્શતા શિક્ષણ, આરોગ્ય, રોડ-રસ્તા સહિતના કામોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. કલેક્ટર કચેરી ખાતે આયોજિત આ બેઠકમાં જિલ્લાન
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી નુકસાની અને જનહિતના


જુનાગઢ 14 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના પ્રભારી સચિવ દિલીપ રાણાએ આજે જિલ્લામાં ભારે વરસાદથી થયેલા નુકસાનની સાથે જનહિતને સ્પર્શતા શિક્ષણ, આરોગ્ય, રોડ-રસ્તા સહિતના કામોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

કલેક્ટર કચેરી ખાતે આયોજિત આ બેઠકમાં જિલ્લાના માંગરોળ તાલુકામાં ચોમાસાના પ્રથમ વરસાદમાં જ 100 ટકા કરતાં વધુ વરસાદ પડી જવાથી લોકોના જાન-માલને થયેલા નુકસાનનો અંદાજ મેળવવામાં આવ્યો હતો. પ્રભારી સચિવએ લોકોને નુકસાનીનું ધારાધોરણ મુજબ વળતર મળે તે સુનિશ્ચિત કરવા પણ સૂચના આપી હતી.

પ્રભારી સચિવએ ખાસ કરીને કેશોદ, માળિયા હાટીના અને માંગરોળમાં પડેલા ભારે વરસાદના પગલે એક પણ માનવ મૃત્યુ થયું ન હતું તેની નોંધ લઈ જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી હતી.

પ્રભારી સચિવએ ચોમાસા દરમિયાન જર્જરિત ઇમારતો પડી જવાની શક્યતાને ધ્યાને રાખી સંબંધિતોને નોટિસ આપી જર્જરિત મકાનો ઉતારી લેવા માટે પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉપરાંત શાળા, આંગણવાડી સહિતની અન્ય કોઈ સરકારી બિલ્ડિંગ જર્જરિત હોય તો તેને ખાલી કરી જરૂરી વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પણ સૂચના આપી હતી.

પ્રભારી સચિવએ ડેમ-જળાશયોમાં આવતા વરસાદી પાણીના જથ્થાની આવક અને જાવક મેનેજ કરવા માટે સુદ્રઢ એક્શન પ્લાન ઘડવા માટે સૂચના આપી હતી, જેથી પૂર જેવી સ્થિતિનું અસરકારક રીતે મેનેજમેન્ટ થઈ શકે.

આ બેઠકમાં 'બેક ટુ સ્કૂલ' મિશન અંતર્ગત પ્રભારી સચિવશ્રીએ વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે સંદર્ભે તલસ્પર્શી સમીક્ષા કરી હતી. સાથે જ વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે જોડાયેલા રહે તે માટે પણ માર્ગદર્શન આપી જરૂરી સૂચનાઓ આપી હતી. વધુમાં, આંગણવાડીના બાળકોમાં પોષણનું સ્તર વધે, જિલ્લાના નાગરિકોને આયુષ્માન કાર્ડથી આવરી લેવાય અને જરૂરિયાતમંદોને આવાસ મળે સહિતની જનહિતની કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ પ્રભારી સચિને જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી રાહત-બચાવની કામગીરીથી અવગત કર્યા હતા. મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશીએ જૂનાગઢ શહેરમાં રોડ-રસ્તા, પ્રિ-મોન્સૂન તેમજ આરોગ્યલક્ષી કામગીરીની વિગતો રજૂ કરી હતી.

આ બેઠકના પ્રારંભમાં જિલ્લા કલેક્ટરએ પ્રભારી સચિવ દિલીપ રાણાને પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા હતા.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર બી.એસ. બારડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.એ. જાડેજા, જિલ્લા શિક્ષણ અધિકારી લતા ઉપાધ્યાય, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અલ્પેશ સાલવી, જિલ્લા પુરવઠા અધિકારી કિશન ગરચર, પ્રોગ્રામ ઓફિસર વત્સલા દવે, માર્ગ અને મકાન પંચાયત તથા સ્ટેટ સહિતના વિવિધ વિભાગના સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande