
જુનાગઢ,14 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ જિલ્લામાં આપત્તિ સમયે સ્થાનિક સ્તરે ઝડપી અને અસરકારક પ્રતિસાદ માટે પ્રશિક્ષિત સ્વયંસેવકો તૈયાર કરવાના હેતુથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હેઠળ NSS સ્વયં સેવકો તથા મેરા યુવા ભારત (MY Bharat) ના તાલીમાર્થીઓ માટે 'યુવા આપદા મિત્રની સાત દિવસીય નિવાસી તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરી તથા અધિક નિવાસી કલેકટર બી.એસ. બારડના માર્ગદર્શનમાં શરૂ થયેલી આ તાલીમમાં NDRF, SDRF, ફાયર, ફોરેસ્ટ, આરટીઓ, સ્પોર્ટ્સ વિભાગ તથા અન્ય માસ્ટર ટ્રેઇનરો દ્વારા તાલીમ આપવામાં આવશે. જિલ્લા કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખાના આયોજન હેઠળ માસ્ટર ટ્રેનર્સ દ્વારા તાલીમાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપન અંગે સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક તાલીમ આપવામાં આવી રહી છે.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ તાલીમમાં ફક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ૮૭ એનએસએસ સ્વયંસેવકો અને મેરા યુવા ભારતના ૨૨ તાલીમાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. તાલીમાર્થીઓને તાલીમ દરમિયાન પ્રાપ્ત થયેલા જ્ઞાનનો ઉપયોગ પોતાના ગામ અને વિસ્તારમાં જનજાગૃતિ ફેલાવવા માટે કરવા માટે પણ પ્રેરિત કરવામાં આવ્યા હતા.
જૂનાગઢમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે તાલીમ દરમિયાન સુનામી, પૂર, ભૂકંપ, ઔદ્યોગિક અકસ્માત, સર્પદંશ, ફાયર સેફ્ટી, શોધ અને બચાવ (સર્ચ એન્ડ રેસ્ક્યુ), ઘાયલ વ્યક્તિઓને સુરક્ષિત રીતે સ્થળાંતર કરવાની પદ્ધતિ, સમુદાય આધારિત પ્રાથમિક સારવાર (First Aid) તેમજ CPR જેવી જીવનરક્ષક કૌશલ્યો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
ડિઝાસ્ટર મામલતદાર જીતુ ડાભી, મામલતદાર પાર્થ ચોવટીયા તથા ધનોયા, ડીપીઓ ડિઝાસ્ટર ક્રતુ ત્રિવેદી SPIPA ભાવનગરના નાયબ સેક્શન ઓફિસર જયરાજસિંહ પરમાર વગેરે તાલીમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.
તાલીમ પૂર્ણ થયા બાદ તમામ તાલીમાર્થીઓને 'યુવા આપદા મિત્ર' તરીકે ઓળખપત્ર (આઈ-કાર્ડ) અને પ્રમાણપત્ર (સર્ટિફિકેટ) એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ