



કચ્છ, 14 જુલાઈ (હિ.સ.) ભુજ શહેરના વ્યસ્ત આરટીઓ સર્કલ વિસ્તારમાં આજે એક બેફામ ગતિએ દોડતા ઓવરલોડ વાહનના કારણે ગંભીર અકસ્માત સર્જાતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, ઓવરલોડ વાહને નિયંત્રણ ગુમાવતા માર્ગ પર જઈ રહેલા અનેક વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિકની લાંબી કતારો લાગી જતાં વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો.
અકસ્માતમાં એક બ્રેઝા કાર, ટાટા પંચ કાર, હોન્ડા એક્ટિવા સહિત અન્ય મોટરસાયકલોને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. અચાનક બનેલી આ ઘટનાના કારણે વાહનચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. ટક્કરની અસર એટલી જોરદાર હતી કે કેટલાક વાહનો રસ્તા પર ફંગોળાઈ ગયા હતા.
આ અકસ્માતમાં કેટલાક વાહનચાલકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ભુજની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિકને ફરીથી સુચારૂ બનાવવા માટે કામગીરી શરૂ કરી હતી. અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવવામાં આવ્યા બાદ ધીમે ધીમે વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં ઓવરલોડ અને બેફામ ઝડપ અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને અકસ્માતની ચોક્કસ પરિસ્થિતિ જાણવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar