
કચ્છ, 14 જુલાઈ (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લાના દુધઈ પોલીસ સ્ટેશનની સતર્કતા અને ઝડપી કામગીરીના કારણે પરિવારથી વિખૂટી પડેલી એક કિશોરીને ગણતરીના કલાકોમાં સુરક્ષિત રીતે શોધી કાઢી તેના પરિવાર સાથે ફરીથી મિલન કરાવવામાં સફળતા મળી છે. પોલીસની આ માનવતાભરી કામગીરીને સ્થાનિક લોકો દ્વારા પણ સરાહના મળી રહી છે.
મળતી માહિતી મુજબ, અંજર તાલુકાના નવી દુધઈ ગામના રહેવાસી કાનાભાઈ લાખાભાઈ રબારીની સગીર દીકરી અચાનક ઘરેથી ગાયબ થઈ જતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. પરિવારજનોએ આસપાસના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ ભાળ ન મળતા સમગ્ર ઘટનાની જાણ દુધઈ પોલીસને કરવામાં આવી હતી.
ઘટનાની માહિતી મળતા જ દુધઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ડોડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. વિવિધ દિશાઓમાં તપાસ, માહિતી એકત્રિત કરવાની કામગીરી અને સતત શોધખોળના પરિણામે પોલીસને ગણતરીના કલાકોમાં કિશોરી સુરક્ષિત મળી આવી હતી.
કિશોરીની સુરક્ષા અને જરૂરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી. લાંબા સમયથી ચિંતામાં મુકાયેલા પરિવાર માટે આ ક્ષણ રાહત અને ખુશીની બની હતી. પરિવારજનોએ સમયસર કાર્યવાહી બદલ દુધઈ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સફળ કામગીરી પૂર્વ કચ્છ પોલીસના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર તથા અંજર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ દુધઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ડોડીયા અને તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી.
દુધઈ પોલીસની આ કામગીરી ફરી એકવાર દર્શાવે છે કે ગુમ થયેલા વ્યક્તિઓને શોધી પરિવાર સુધી સુરક્ષિત પહોંચાડવા માટે પોલીસ સતત સતર્કતા અને સંવેદનશીલતા સાથે ફરજ બજાવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar