
કચ્છ, 14 જુલાઈ (હિ.સ.) : પૂર્વ કચ્છમાં દારૂની ગેરકાયદેસર હેરફેર સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ઝુંબેશને વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)ની ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલી એક કાર ઝડપી પાડી હતી. આ કાર્યવાહી દરમિયાન દારૂ સહિત કુલ અંદાજે ₹12.10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર વેચાણ અને હેરફેર કરતા તત્વો સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે. એમ. વાળાના નેતૃત્વમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વિશ્વસનીય બાતમી મળી હતી કે ગાંધીધામ રેલવે સ્ટેશન નજીક સર્વિસ રોડ પર ઉભેલી સફેદ રંગની કેટા કાર (રજિસ્ટ્રેશન નંબર GJ-08-CC-9839)માં વિદેશી દારૂનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે.
બાતમીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર પહોંચી કારને ઘેરી લઈને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટની વિવિધ બ્રાન્ડની વિસ્કી તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ 2,052 નંગ દારૂની બોટલો અને બિયર ટીન જપ્ત કર્યા હતા, જેની કિંમત અંદાજે ₹4.10 લાખ થાય છે. ઉપરાંત દારૂના પરિવહન માટે ઉપયોગમાં લેવાયેલી કારની કિંમત આશરે ₹8 લાખ હોવાનું સામે આવ્યું છે. આમ કુલ ₹12,10,820નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ કેસમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે કારના ચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેમજ તેનો સપ્લાય કોને કરવામાં આવવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર સફળ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે. એમ. વાળા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. જી. પટેલ તથા એલસીબીની ટીમ દ્વારા સંકલિત આયોજન અને ઝડપી કાર્યવાહીથી પાર પાડવામાં આવી હતી. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે સતત ચાલી રહેલી ઝુંબેશના પરિણામે ગેરકાયદેસર દારૂના નેટવર્ક પર વધુ એક મોટો પ્રહાર થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar