


કચ્છ, 14 જુલાઈ (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર દબાણો અને અસામાજિક તત્વો સામે પોલીસે શરૂ કરેલી ઝુંબેશ હેઠળ મુંદરા પોલીસ દ્વારા વધુ એક નોંધપાત્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. NDPS તેમજ અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓએ સરકારી જમીન પર કરેલા ગેરકાયદેસર કબજાઓ દૂર કરીને કુલ અંદાજે ૩,૦૪૫ ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરાવવામાં આવી છે. આ જમીનની અંદાજિત સરકારી કિંમત ₹૧.૦૫ કરોડ જેટલી હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રની સંયુક્ત ટીમે જરૂરી પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર બાંધકામો દૂર કર્યા હતા. લાંબા સમયથી સરકારી જમીન પર કબજો જમાવી બેઠેલા ત્રણ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેમના બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા.
સૌપ્રથમ કાર્યવાહી સુખપર વાસ વિસ્તારમાં રહેતા ઇસ્માઇલ યુસુફ શેખ સામે કરવામાં આવી હતી. NDPS એક્ટ હેઠળ ગુનામાં સંડોવાયેલા આ આરોપીએ સરકારી જમીન પર બે રૂમનું મકાન ઊભું કરીને કબજો જમાવ્યો હતો. પોલીસે આ દબાણ દૂર કરીને અંદાજે ૧૦૦ ચોરસ મીટર જમીન મુક્ત કરાવી, જેની કિંમત આશરે ₹૬ લાખ હોવાનું જણાવાયું છે.
ત્યારબાદ પોલીસે સુખપર વાસના જ હુસેન ઉર્ફે સંજય દત્ત રમજાન સમેજા સામે કાર્યવાહી હાથ ધરી હતી. NDPS કેસમાં આરોપી રહેલા હુસેને સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે વંડો બનાવી કબજો કર્યો હતો. આ સ્થળેથી પોલીસે અંદાજે ૮૫૦ ચોરસ મીટર જમીન દબાણમુક્ત કરાવી, જેની સરકારી કિંમત લગભગ ₹૫૧ લાખ જેટલી થાય છે.
આ અભિયાનની સૌથી મોટી કાર્યવાહી અંબિકાનગર વિસ્તારમાં નોંધાઈ હતી, જ્યાં રામ વિરમ ગઢવી દ્વારા જાહેર પ્લોટ પર ગેરકાયદેસર રીતે બે રૂમ અને બાથરૂમનું બાંધકામ ઉભું કરવામાં આવ્યું હતું. રામ વિરમ ગઢવી સામે હત્યાના પ્રયાસ, જુગારધારા, પ્રોહિબિશન એક્ટ, મોટર વાહન અધિનિયમ સહિત કુલ ૨૭ જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. પોલીસે અહીંથી ૨,૦૯૫ ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરાવી, જેની અંદાજિત કિંમત ₹૪૮.૧૮ લાખ જેટલી છે.
મુંદરા પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદેસર દબાણો કરનાર તત્વોમાં ચિંતા અને ફફડાટનો માહોલ સર્જાયો છે. પોલીસ તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓ દ્વારા સરકારી જમીન પર કરવામાં આવતા કોઈપણ ગેરકાયદેસર કબજાને સહન કરવામાં આવશે નહીં અને આવનારા સમયમાં પણ આવા દબાણો સામે કડક અભિયાન સતત ચાલુ રહેશે.
કાયદાનું પાલન કરાવવા અને સરકારી મિલકતોને દબાણમુક્ત બનાવવા માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા હાથ ધરાતી આવી કામગીરીને સ્થાનિક સ્તરે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. પોલીસનું કહેવું છે કે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકો સામે માત્ર કાનૂની જ નહીં પરંતુ તેમની ગેરકાયદેસર મિલકતો અને દબાણો સામે પણ સખત કાર્યવાહી ચાલુ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar