મુંદરામાં એસઓજીનો મોટો પ્રહાર: પોર્ટ રોડ પરથી ₹2.16 લાખના હેરોઈન સાથે પંજાબનો યુવક ઝડપાયો
કચ્છ, 14 જુલાઈ (હિ.સ.) મુંદરા શહેરમાં માદક પદાર્થોના ગેરકાયદે વેપાર સામે પશ્ચિમ કચ્છ એસઓજીએ વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. શહેરના પોર્ટ રોડ વિસ્તારમાં આવેલી ત્રિવેણી એકાર્ડ નજીકથી પોલીસે હેરોઈનના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી કુલ ₹2.16 લાખ
મુન્દ્રા ડ્રગ્સ સાથે પકડાયેલ પંજાબી યુવક


કચ્છ, 14 જુલાઈ (હિ.સ.) મુંદરા શહેરમાં માદક પદાર્થોના ગેરકાયદે વેપાર સામે પશ્ચિમ કચ્છ એસઓજીએ વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. શહેરના પોર્ટ રોડ વિસ્તારમાં આવેલી ત્રિવેણી એકાર્ડ નજીકથી પોલીસે હેરોઈનના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી કુલ ₹2.16 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહીથી વિસ્તારમાં નશીલા પદાર્થોના ગેરકાયદે નેટવર્ક સામે પોલીસની સક્રિય કામગીરી ફરી એકવાર ચર્ચામાં આવી છે.

મળતી માહિતી મુજબ, એસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે ત્રિવેણી એકાર્ડ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન શંકાસ્પદ હિલચાલ કરતા એક વ્યક્તિને રોકીને તેની તપાસ હાથ ધરવામાં આવતા તેની પાસેથી અંદાજે 10.5 ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું. જપ્ત કરાયેલા હેરોઈનની અંદાજિત કિંમત ₹2.10 લાખ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

તપાસ દરમિયાન આરોપી પાસેથી એક મોબાઈલ ફોન, રોકડ રકમ તેમજ માદક પદાર્થનું વજન કરવા માટે ઉપયોગમાં લેવાતો ડિજિટલ વજન કાંટો પણ મળી આવ્યો હતો. આ તમામ સહિત કુલ ₹2,16,250નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.

ઝડપાયેલ આરોપીની ઓળખ સતનામસિંધ જસપાલસિંધ ફરીદકોટ, પંજાબ તરીકે થઈ છે. આરોપી મુંદરા વિસ્તારમાં શા માટે આવ્યો હતો અને હેરોઈનનો જથ્થો કોના માટે લાવવામાં આવ્યો હતો અથવા કોને પહોંચાડવાનો હતો તે સહિતની બાબતોને લઈને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ મામલામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ વધી રહી છે.

આ સમગ્ર કાર્યવાહી એસઓજી ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટી.બી. રબારી તેમજ એએસઆઈ ચેતનસિંહ જાડેજા, રઝાક સોતા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ગોપાલ ગઢવી, ભાવેશ ચૌધરી અને પોલીસ કોન્સ્ટેબલ દિનેશ ચૌધરીની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા નશાખોરી અને માદક પદાર્થોના ગેરકાયદે વેપાર સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મુંદરામાં થયેલી આ કાર્યવાહી પણ તે જ અભિયાનનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવી રહી છે, જ્યારે પોલીસે આરોપી સામે એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande