
સુરત,14 જુલાઈ (હિ.સ.) સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પ્રાદેશિક કમિશનરની કચેરી, સુરત ઝોન દ્વારા બારડોલીના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-2026ના સુચારુ અમલીકરણ અને સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો અંગે એક દિવસીય તાલીમ વર્કશોપ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઘન કચરાના યોગ્ય નિકાલ માટે તૈયાર કરવામાં આવેલી ‘સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માર્ગદર્શિકા’ પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું, જે આગામી સમયમાં નગરપાલિકાઓ માટે મહત્વની માર્ગદર્શિકા સાબિત થશે.
આ અવસરે પ્રાદેશિક કમિશનર (નગરપાલિકા) એસ.ડી.વસાવાએ જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આપણા શહેરોને કચરામુક્ત બનાવવા માટે ‘ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-2026’ની મુખ્ય જોગવાઈઓ અને માનનીય સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશોનું ચુસ્ત પાલન કરવું એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. આ સાથે બલ્ક વેસ્ટ જનરેટર્સનું રજીસ્ટ્રેશન અને નિયમન, યુઝર ચાર્જીસ અને પેનલ્ટીનો અમલ, અને ગાર્બેજ વલનરેબલ પોઈન્ટ્સની ઓળખ તથા તેના કાયમી નિકાલ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
વધુમાં કહ્યું કે, પર્યાવરણને અનુકૂળ રિડ્યુસ-રીયુઝ-રીસાઈકલ (3R) એમ સેન્ટર અને સર્ક્યુલર ઈકોનોમીના મોડલ વિશે પણ વિચાર વિમર્શ કરવો જોઈએ. આ કાર્યક્રમમાં સક્રિય નાગરિક ભાગીદારી વધારવા માટે જનજાગૃતિ અને વિવિધ પ્રવૃત્તિઓ તેમજ લેગસી વેસ્ટ રેમેડિએશન અને કચરાના વૈજ્ઞાનિક નિકાલ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ શિબિરના આયોજન બદલ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા ધારાસભ્ય ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે, સ્વચ્છતા માત્ર એક અભિયાન નથી, પરંતુ આપણા શહેરી જીવનની ઓળખ અને સંસ્કૃતિ છે. આજે વિમોચિત થયેલી ઘન કચરા વ્યવસ્થાપન અંગેની પુસ્તિકા સૌ માટે માર્ગદર્શક સાબિત થશે.
તેમણે ઉમેર્યું હતું કે, ચૂંટાયેલા પદાધિકારીઓ તરીકે આપણે સૌપ્રથમ પોતાના ઘર, સોસાયટી અને વોર્ડથી જ સ્વચ્છતાના નિયમોનું પાલન કરી સમાજ સમક્ષ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. વધુમાં તેમણે સ્વચ્છતાને માત્ર જવાબદારી નહીં, પરંતુ આપણો સ્વભાવ બનાવવા અને સ્વચ્છ, સુંદર તથા ગૌરવશાળી શહેરના નિર્માણમાં સૌને સાથે મળીને યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
આ વર્કશોપમાં ઉપસ્થિત તજજ્ઞો દ્વારા ઘન કચરાના નિકાલ માટેની વિવિધ તકનીકો, ભૂમિકાઓ અને કાયદાકીય જોગવાઈઓ અંગે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને કચરાના વૈજ્ઞાનિક નિકાલ અને વ્યવસ્થાપનની આધુનિક પદ્ધતિઓથી હાજર સૌને માહિતગાર કરાયા હતા.
આ શિબિરમાં બારડોલી નગરપાલિકાના પ્રમુખ નીલમ વ્યાસ, અધિક કલેકટર આર.સી.પટેલ, નાયબ કલેક્ટર ડી.વી.ગામીત, પ્રાંત અધિકારી જીજ્ઞા પરમાર, બારડોલી મામલતદાર કલ્પના પટેલ સહિત વિવિધ નગરપાલિકાઓના પ્રમુખઓ, પ્રાદેશિક કમિશનર કચેરીના અધિકારીઓ, દક્ષિણ ગુજરાત ઝોનની વિવિધ નગરપાલિકાઓના ચીફ ઓફિસરો, નગરપાલિકાઓના ચુંટાયેલા પ્રતિનિધિઓ અને વોર્ડ સ્વચ્છતા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે