
મહેસાણા, 14 જુલાઈ (હિ.સ.)મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કરણનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવેલા નાની કડી ગામમાં ડેન્ગ્યુનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. મંગળવારે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓએ ગામની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી તેમજ જરૂરી નિયંત્રણ અને જાગૃતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
મુલાકાત દરમિયાન એડિશનલ જિલ્લા આરોગ્ય અધિકારી (ADHO) ડૉ. પ્રવીણ પટેલ, ઇમરજન્સી મેડિકલ ઓફિસર (EMO) ડૉ. વિનોદ પટેલ અને પ્રજનન તથા બાળ આરોગ્ય અધિકારી (RCHO) ડૉ. વિજય પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ ડેન્ગ્યુ કેસ અંગેની કામગીરીની સમીક્ષા કરી અને સ્થાનિક આરોગ્ય ટીમને જરૂરી સૂચનો આપ્યા હતા.
આ પ્રસંગે નાની કડીના જિલ્લા પંચાયત સભ્ય મયંક પટેલ પણ હાજર રહ્યા હતા. તેમણે ગ્રામજનોને ડેન્ગ્યુથી બચવા માટે આસપાસ સ્વચ્છતા જાળવવા, ઘરમાં અને આસપાસ પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવા તેમજ તાવ સહિતના લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરી હતી.
આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં સર્વેલન્સ, મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટેની કામગીરી અને જનજાગૃતિ અભિયાન વધુ સઘન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR