
મહેસાણા, 14 જુલાઈ (હિ.સ.) ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના માર્ગદર્શન હેઠળ મહેસાણા જિલ્લામાં કલા મહાકુંભ-2026નું તાલુકા અને જિલ્લા કક્ષાએ આયોજન કરવામાં આવશે. જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓફલાઇન નોંધણી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5 ઓગસ્ટ 2026 નક્કી કરવામાં આવી છે.
આ વર્ષે કલા મહાકુંભમાં કુલ 37 વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ માટે સ્પર્ધાઓ યોજાશે. સ્પર્ધાઓ 6થી14 વર્ષ, 15થી20 વર્ષ, 21થી59 વર્ષ અને 60 વર્ષથી ઉપર એમ ચાર વયજૂથમાં યોજાશે. તાલુકા કક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓમાં વક્તૃત્વ, નિબંધ, ચિત્રકલા, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, રાસ, ગરબા, સુગમ સંગીત સહિત વિવિધ કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત કેટલીક સ્પર્ધાઓ સીધી જિલ્લા, પ્રદેશ અને રાજ્ય કક્ષાથી શરૂ થશે.
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીએ વધુમાં વધુ કલાકારોને ભાગ લેવા અપીલ કરી છે. દરેક તાલુકા માટે કન્વીનરની નિમણૂક કરવામાં આવી છે અને સ્પર્ધકોએ પોતાના તાલુકાના નિયુક્ત કન્વીનર પાસે અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે. જિલ્લા કક્ષાની સ્પર્ધાના ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, મહેસાણા ખાતેથી પણ મેળવી શકાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR