
મહેસાણા, 14 જુલાઈ (હિ.સ.) મહેસાણા તાલુકાના પાંચોટ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા જાળવવા અને ગ્રામજનોને દિવસ દરમિયાન અવરજવર કરવામાં કોઈ અગવડતા ન પડે તે હેતુથી રાત્રિના સમયે સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતની આ પહેલને ગ્રામજનોએ આવકારી છે.
ગ્રામ પંચાયતના આયોજન મુજબ ગામના મુખ્ય માર્ગો, જાહેર સ્થળો અને અન્ય વિસ્તારોમાં રાત્રિના સમયે સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે. દિવસ દરમિયાન ગામમાં લોકોની અવરજવર, વેપાર-ધંધા અને અન્ય પ્રવૃત્તિઓ ચાલુ રહેતી હોવાથી સફાઈ કાર્યમાં મુશ્કેલી પડતી હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાત્રિના સમયે સફાઈ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગ્રામ પંચાયતનું માનવું છે કે રાત્રિ દરમિયાન સફાઈ થવાથી દિવસ દરમિયાન ગ્રામજનોને અવરજવરમાં કોઈ વિક્ષેપ પડતો નથી તેમજ ગામ વધુ સ્વચ્છ અને આરોગ્યપ્રદ બની રહે છે. ખાસ કરીને વડીલો, બાળકો અને અન્ય રહેવાસીઓને સ્વચ્છ વાતાવરણનો લાભ મળી રહે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે.
ગ્રામજનોએ ગ્રામ પંચાયતની આ પહેલને પ્રશંસનીય ગણાવી છે અને ગામને સ્વચ્છ રાખવા માટે સૌએ સહયોગ આપવાની અપીલ કરી છે. પંચાયતે પણ ગ્રામજનોને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અને સ્વચ્છતા જાળવવામાં સહભાગી બનવા અનુરોધ કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR