
- હર્ષ સંઘવી એએમસી ઓફિસથી ખુલ્લી જીપમાં રૂટ નિરીક્ષણ કરવા નીકળ્યાં
અમદાવાદ,14 જુલાઇ (હિ.સ.) અમદાવાદના જગન્નાથ મંદિરની 149મી પરંપરાગત રથયાત્રા મહોત્સવનો સત્તાવાર ત્રિ-દિવસીય કાર્યક્રમની શરૂઆત આજે નેત્રોત્સવ વિધિથી મંદિરના કપાટ ખુલ્યા.હાલમાં મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. ભક્તો અત્યારે આરતીનો લ્હાવો લઈ રહ્યા છે.
આજે વિવિધ ધાર્મિક વૈદિક વિધિઓનો ભક્તિસભર પ્રારંભ થયો છે. જ્યારે મુખ્ય ઉત્સવ એટલે કે અષાઢી બીજના પવિત્ર દિવસે 16 જુલાઈ, ગુરુવારે સવારે 7:00 વાગ્યે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી નગરચર્યાએ નીકળશે.
આજે મંગળવારે પ્રથમ દિવસે વહેલી સવારે 6 વાગ્યે ત્રણેય મૂર્તિની ગર્ભગૃહમાં આવેલી પવિત્ર રત્નવેદી પર શાસ્ત્રોક્ત વિધિથી પ્રતિષ્ઠા કરવામાં આવી. આજે સૌથી મહત્વની ગણાતી નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે. મંદિર પર ધ્વજારોહણ કર્યા બાદ મંદિરના કપાટ ખોલી દેવામાં આવ્યાં છે. ભગવાનના દર્શન સાથે મહા આરતી કરવામાં આવી. આ ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ બપોરે 11:00 વાગ્યે દેશભરમાંથી આવેલા સાધુ-સંતો માટે ખાસ ભંડારો (મહાપ્રસાદ) તેમજ વસ્ત્રદાન કરાશે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ચાલીને એએમસી કચેરી પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીંથી હર્ષ સંઘવી ખુલ્લી જીપમાં સવાર થઈને રવાના થયા હતા. આ દરમિયાન માર્ગો પરથી પસાર થતી વખતે તેમણે રસ્તા પર એકત્રિત થયેલા સ્થાનિક લોકોનું હાથ હલાવીને ઉત્સાહભેર અભિવાદન ઝીલ્યું હતું. બીજી તરફ, આ જ રૂટ પર કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા પણ પોતાના સમર્થકો સાથે ચાલતા જ આ રૂટ પર નીકળ્યા હતા.
આજના કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી મંદિરમાં આરતી ઉતારી અને વિશેષ પૂજા-અર્ચના કરી. સાથે જ 31 હજાર પોલીસકર્મીઓનો બંદોબસ્ત સાથે સંઘવી ચાલીને રથયાત્રા રૂટનું નિરિક્ષણ કરશે. હાલ મંદિર પર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, આઇબીના વડા અશોક કુમાર યાદવ, સેકટર 1 જેસીપી નીરજ બડગુજર સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર છે.
રથયાત્રાના મુખ્ય દિવસે એટલે કે 16 જુલાઈ, ગુરુવારે સવારે 4:00 વાગ્યે હજારો ભક્તોની ઉપસ્થિતિમાં હરિનાદ સાથે વર્ષની સૌથી મહત્વની મંગળા આરતી થશે. ત્યારબાદ સવારે 4:30 વાગ્યે ભગવાનને પરંપરાગત ખીચડી ભોગ ધરાવવામાં આવશે. સવારે 5:30થી 6:00 વાગ્યાના શુભ ચોઘડિયા દરમિયાન ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીનો રથમાં શાહી પ્રવેશ કરાવવામાં આવશે. છેલ્લે, સવારે 7:00 વાગ્યે મુખ્ય અતિથિઓ દ્વારા પહિંદ વિધિ સંપન્ન થયા બાદ ભવ્ય અને ઐતિહાસિક 149મી રથયાત્રા નગરચર્યા માટે પ્રસ્થાન કરશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ