
ભાવનગર,14 જુલાઈ (હિ.સ.)ભાવનગર શહેરમાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં યોજવાના હેતુથી પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી), એસઓજી અને પેરોલ-ફર્લો સ્કવોડની સંયુક્ત ટીમોએ વહેલી સવારે શહેરના વિવિધ વિસ્તારોમાં દેશી દારૂના ધંધાર્થીઓ પર તવાઈ બોલાવી હતી.
પોલીસે આડોડિયાવાસ, કુંભારવાડા, જીઆઈડીસી, ચિત્રા અને કરચલીયા પરા સહિતના વિસ્તારોમાં અલગ-અલગ ટીમો બનાવી દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ 14 ગુનાઓ શોધી કાઢી રૂ. 1,24,300નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન કમુબેન દિનેશભાઈ પરમાર, જયાબેન મનુભાઈ રાઠોડ, ગૌરીબેન ખોડીદાસભાઈ રાઠોડ, ગીતાબેન શ્યામભાઈ પરમાર, રાહુલ કાંતિભાઈ રાઠોડ, કિશોરસિંહ કિરીટસિંહ રાયજાદા અને અનિરૂદ્ધસિંહ ગણપતસિંહ ગોહિલ સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે કાજલબેન કાર્તિકભાઈ પરમાર, સોનીયાબેન સાહિલભાઈ પરમાર, રેખાબેન નરેશભાઈ રાઠોડ, નીરૂબેન વજુભાઈ, મીનાબેન મહેશભાઈ, મીનલબેન નરેશભાઈ અને ગૌરીબેન ઉર્ફે ગવુબેન મકવાણા સહિત સાત આરોપીઓ હજુ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસે આરોપીઓ પાસેથી 149 લીટર દેશી દારૂ, 1,780 લીટર આથો અને એક એક્ટિવા સ્કૂટર સહિત કુલ રૂ. 1,24,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ભાવનગર જિલ્લા પોલીસે જણાવ્યું છે કે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ઝુંબેશ સતત ચાલુ રહેશે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પણ અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA