ખાંભોદર–હાથલા અને રોઝડા–મજીવાણા માર્ગ પરથી નડતરરૂપ વીજપોલ અને ટીસી ખસેડવા અંગે રજૂઆત.
પોરબંદર, 14 જુલાઈ (હિ.સ.) પોરબંદર તાલુકાના ખાંભોદરથી હાથલા અને રોઝડા અને મજીવાણાને જોડતા સીમ વિસ્તારના માર્ગ પર પીજીવીસીએલના વીજપોલ અને ટ્રાન્સફોર્મર (ટીસી) અકસ્માતનું જોખમ ઊભું કરતા હોવાનું જણાવી નટવરનગરના આગેવાન ખીમા ઝાંઝાભાઈ ઓડેદરાએ પીજીવીસી
ખાંભોદર–હાથલા અને રોઝડા–મજીવાણા માર્ગ પરથી નડતરરૂપ વીજપોલ અને ટીસી ખસેડવા અંગે રજૂઆત.


પોરબંદર, 14 જુલાઈ (હિ.સ.) પોરબંદર તાલુકાના ખાંભોદરથી હાથલા અને રોઝડા અને મજીવાણાને જોડતા સીમ વિસ્તારના માર્ગ પર પીજીવીસીએલના વીજપોલ અને ટ્રાન્સફોર્મર (ટીસી) અકસ્માતનું જોખમ ઊભું કરતા હોવાનું જણાવી નટવરનગરના આગેવાન ખીમા ઝાંઝાભાઈ ઓડેદરાએ પીજીવીસીએલને લેખિત રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે માર્ગ પરના દબાણો દૂર કરીને રસ્તો દબાણ મુક્ત કરવામાં આવ્યો હોવા છતાં અંદાજે 20 જેટલા વીજપોલ અને ત્રણ ટ્રાન્સફોર્મર હજુ રસ્તાની વચ્ચે અને તેની નજીક યથાવત હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે અને ભારે વાહનોની અવરજવર દરમિયાન અકસ્માતની સંભાવના વધી રહી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

ખીમા ઓડેદરાએ જણાવ્યું હતું કે આ પ્રશ્ન અંગે અગાઉ પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે પીજીવીસીએલને રસ્તામાં અવરોધરૂપ તમામ વીજપોલ અને ટ્રાન્સફોર્મરને યોગ્ય સ્થળે સ્થળાંતર કરીને માર્ગને અકસ્માતમુક્ત બનાવવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે.

ખીમાભાઇ એ આ અંગે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયા, જિલ્લા કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી પોરબંદરને પણ પત્ર પાઠવી યોગ્ય કરવાની માંગ કરી છે ત્યારે સ્થાનિકોએ પણ માર્ગ સલામતીને પ્રાથમિકતા આપીને વીજ માળખાનું વહેલી તકે સ્થળાંતર કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે, જેથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના સર્જાય નહીં અને વાહનવ્યવહાર વધુ સુરક્ષિત બની શકે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande