
પોરબંદર, 14 જુલાઈ (હિ.સ.) પ્રાથમિક શિક્ષક મહાસંઘ-પોરબંદર દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરીને જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને દર મહિને સમયસર પગાર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષક મહાસંઘપોરબંદરના અધ્યક્ષ લાખા સુંડાવદરા અને મહામંત્રી વેજા કોડિયાતરે જણાવ્યું છે કે સામાન્ય રીતે શિક્ષકોનો પગાર દર મહિનાની 3થી 5 તારીખ સુધીમાં જમા થવો જોઈએ, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમાં વિલંબ થતો હોવાથી શિક્ષકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
રજૂઆતમાં જણાવાયું છે કે રાજ્ય કક્ષાના ગ્રાન્ટ સહિતના નાણાં સમયસર ઉપલબ્ધ હોવા છતાં પગારની ચૂકવણીમાં અનિયમિતતા જોવા મળી રહી છે. એક તરફ કર્મચારીઓ પાસેથી તમામ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે, ત્યારે અધિકારીઓ દ્વારા પગાર જેવી મહત્વપૂર્ણ બાબતમાં વિલંબ થવો યોગ્ય નથી.પ્રાથમિક શિક્ષક મહાસંઘે જણાવ્યું છે કે શિક્ષકો પોતાના પરિવારના ખર્ચ, બેંકની લોનની હપ્તા, બાળકોના શિક્ષણ સહિતની નાણાકીય જવાબદારીઓ સમયસર નિભાવી શકે તે માટે નિયમિત પગાર મળવો જરૂરી છે. તેથી દર મહિને નિયત સમયમર્યાદામાં પગાર જમા થાય તે માટે જરૂરી સૂચનાઓ આપવા જિલ્લા વિકાસ અધિકારીને વિનંતી કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya