

પોરબંદર, 14 જુલાઈ (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ ધોળા–પોરબંદર રેલખંડનું વિસ્તૃત સંરક્ષા નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન ટ્રેક, સિગ્નલ અને દૂરસંચાર પ્રણાલી, યાત્રી સુવિધાઓ તેમજ સંરક્ષા સંબંધિત વિવિધ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિરીક્ષણ બાદ ડીઆરએમે પોરબંદર રેલવે સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી.
સ્ટેશન ખાતે તાજેતરમાં પૂર્ણ થયેલા યાર્ડ રીમોડેલિંગના કામોનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી નવી યાર્ડ વ્યવસ્થા, સંચાલન ક્ષમતામાં થયેલા સુધારા, સંરક્ષા ધોરણોનું પાલન અને કાર્યની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી. તેમણે અધિકારીઓને આ નવી સંપત્તિઓની અસરકારક જાળવણી અને સુરક્ષિત સંચાલન સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. ડીઆરએમે અમૃત સ્ટેશન યોજના હેઠળ પુનર્વિકસિત પોરબંદર રેલવે સ્ટેશનમાં પૂર્ણ થયેલા વિકાસકાર્યોની પણ સમીક્ષા કરી હતી.
આ દરમિયાન યાત્રી સુવિધાઓ, સ્વચ્છતા, સલામતી, સંરક્ષા અને વિવિધ વિભાગો વચ્ચેના સમન્વયની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મુસાફરોને સુરક્ષિત, સુગમ અને ગુણવત્તાસભર રેલ સેવાઓ ઉપલબ્ધ કરાવવી રેલવેની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
સંરક્ષા સંબંધિત તમામ વિકાસ અને જાળવણીના કાર્યો નિર્ધારિત ધોરણો મુજબ સમયસર પૂર્ણ થાય તેમજ રેલવે સંપત્તિઓના સંચાલનમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રહે તે માટે તેમણે અધિકારીઓને સૂચના આપી હતી.નિરીક્ષણ દરમિયાન મંડળના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya