

વડોદરા,14 જુલાઈ (હિ.સ.) અષાઢી બીજના પાવન અવસરે વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય નગરચર્યાને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ગોત્રી ઇસ્કોન મંદિર દ્વારા છેલ્લા 45 વર્ષથી આયોજિત થતી પરંપરાગત રથયાત્રા 16 જુલાઈના રોજ ભક્તિમય માહોલ વચ્ચે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે.
વડોદરા શહેરમાં અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની ભવ્ય રથયાત્રા ભક્તિમય વાતાવરણ વચ્ચે નીકળશે.
ગોત્રી ઇસ્કોન મંદિર દ્વારા છેલ્લા 45 વર્ષથી આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શનનો લાભ લેવા ઉમટી પડે છે.
રથયાત્રાનો પ્રારંભ બપોરે 2:30 વાગ્યે રેલવે સ્ટેશન ખાતેથી થશે. વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર દ્વારા પહિન્દ વિધિ કરવામાં આવશે, ત્યારબાદ ભગવાનના રથને પ્રસ્થાન કરાવવામાં આવશે.અષાઢી બીજના શુભ દિવસે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળતા શહેરમાં ભક્તિનો અનોખો માહોલ સર્જાશે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન માટે રસ્તાઓ પર ઉમટી પડશે.
આ વર્ષે રથયાત્રા દરમિયાન શુદ્ધ દેશી ઘીમાં તૈયાર કરાયેલા શીરાના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.
રથયાત્રા રેલવે સ્ટેશનથી કાલાઘોડા, કોઠી ચાર રસ્તા, રાવપુરા, જ્યુબિલી બાગ, પદ્માવતી શોપિંગ સેન્ટર, સુરસાગર, દાંડિયાબજાર, ખંડેરાવ માર્કેટ, મદનઝાંપા રોડ અને કેવડાબાગ થઈ પોલો મેદાન ખાતે પૂર્ણ થશે.વિશેષ વાત એ છે કે રથયાત્રા પસાર થયા બાદ સમગ્ર રૂટ પર સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવશે, જેથી ધાર્મિક કાર્યક્રમ સાથે સ્વચ્છતાનો સંદેશ પણ સમાજ સુધી પહોંચે.ધાર્મિક આસ્થા, સેવા અને સ્વચ્છતાનો અનોખો સમન્વય રજૂ કરતી આ 45મી જગન્નાથ રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેર પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને ટ્રાફિક માટે વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ