પિતા-પુત્રી પર હુમલા બાદ સોસાયટીમાં રોષ, રહેવાસીઓએ પોલીસ કાર્યવાહી તેજ કરવાની કરી માંગ
સુરત, 14 જુલાઈ (હિ.સ.): સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી દીનદયાળ નગર સોસાયટીમાં ત્રણ મહિના પહેલાં થયેલા હુમલાના બનાવને લઈને સ્થાનિકોમાં ફરી રોષ ફાટી નીકળ્યો છે. સામાન્ય બોલાચાલી બાદ બે યુવકોએ પિતા અને પુત્રી સહિત પરિવારના સભ્યો પર ઈંટ અને ચપ્પલ વડે
Surat


સુરત, 14 જુલાઈ (હિ.સ.): સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી દીનદયાળ નગર સોસાયટીમાં ત્રણ મહિના પહેલાં થયેલા હુમલાના બનાવને લઈને સ્થાનિકોમાં ફરી રોષ ફાટી નીકળ્યો છે. સામાન્ય બોલાચાલી બાદ બે યુવકોએ પિતા અને પુત્રી સહિત પરિવારના સભ્યો પર ઈંટ અને ચપ્પલ વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. ઘટનાના દ્રશ્યો સોસાયટીના સીસીટીવીમાં કેદ થયા હોવાનું જણાવાઈ રહ્યું છે. ઈજાગ્રસ્ત પિતા અને પુત્રીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લાંબા સમય બાદ પણ યોગ્ય કાર્યવાહી ન થતાં મોટી સંખ્યામાં મહિલાઓ ન્યાયની માંગ સાથે પોલીસ સ્ટેશને પહોંચી હતી.

ભોગ બનનાર પરિવારે આરોપ મૂક્યો છે કે સોસાયટીમાં રહેતા બે યુવકો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો, ત્યારે ગુસ્સામાં ફેંકાયેલી સાયકલ યુવતીને વાગી હતી. આ અંગે પૂછપરછ કરવા બહાર આવેલા તેના પિતા પર ઈંટ વડે હુમલો કરવામાં આવ્યો હતો. પુત્રી બચાવવા વચ્ચે પડતાં તેને પણ માર મારવામાં આવ્યો હતો. પરિવારનો દાવો છે કે આ ઘટના બાદ તેઓ ડરના માહોલમાં જીવવા મજબૂર બન્યા છે અને પોતાનું ઘર છોડીને ભાડાના મકાનમાં રહે છે. પોલીસ સ્ટેશને રજૂઆત દરમિયાન યુવતીની તબિયત બગડતાં તેને હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.

સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે આરોપી યુવકો લાંબા સમયથી વિસ્તારમાં ગાળો બોલવી, ધમકી આપવી, જુગાર રમવો અને લોકોને ડરાવવાનો ત્રાસ ફેલાવી રહ્યા છે. તેમના ભયના કારણે કેટલાક પરિવારો પોતાનું ઘર છોડવા મજબૂર બન્યા હોવાનું પણ રહેવાસીઓએ જણાવ્યું છે. મહિલાઓએ પોલીસ પાસે આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરીને સોસાયટીમાં ફરી શાંતિપૂર્ણ વાતાવરણ ઉભું કરવાની માંગ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande