

- 33 હજારથી વધુ નાગરિકોના વિનામૂલ્યે ડિજિટલ ચેસ્ટ એક્સ-રે
- જિલ્લામાં ટીબીના 443 નવા દર્દીઓની વહેલી ઓળખ કરી તાત્કાલિક સારવાર શરૂ
- 48 ગ્રામ પંચાયતોને ‘ટીબી મુક્ત ગ્રામ પંચાયત’નું ગૌરવ
રાજપીપલા,14 જુલાઇ (હિ.સ.) રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ (NTEP) અંતર્ગત માન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે એસ્પિરેશનલ જિલ્લો નર્મદામાં ટીબી મુક્ત ભારત અભિયાન–2.0 અંતર્ગત હાથ ધરાયેલી 100 દિવસીય સઘન વિશેષ ઝુંબેશ નોંધપાત્ર સફળ રહી છે.
જિલ્લા કલેક્ટર ગંગા સિંઘના માર્ગદર્શન અને જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ઝંખના વસાવાના સીધા નિરીક્ષણ હેઠળ આરોગ્ય વિભાગે સમગ્ર જિલ્લામાં વ્યાપક સ્તરે કામગીરી હાથ ધરી હતી.કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલા જિલ્લાના 146 હાઈ-રિસ્ક ગામોમાં 24 માર્ચ થી 3 જુલાઈ,
2026 દરમિયાન વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારોમાં વસતા નાગરિકોને આરોગ્ય સેવાઓ ઘરઆંગણે ઉપલબ્ધ થાય તે માટે ડિજિટલ હેન્ડહેલ્ડ ચેસ્ટ એક્સ-રે મશીન તથા મોબાઇલ એક્સ-રે વાન દ્વારા ગામે-ગામ પહોંચી તપાસ અને નિદાનની સુવિધા પૂરી પાડવામાં આવી હતી.
આ અભિયાન દરમિયાન જિલ્લાના 1,22,834થી વધુ નાગરિકોનું ટીબી સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 33,086 લાભાર્થીઓના સંપૂર્ણ વિનામૂલ્યે ડિજિટલ ચેસ્ટ એક્સ-રે કરવામાં આવ્યા હતા. ઉપરાંત ટીબીના સંભવિત લક્ષણો ધરાવતા 12,180 વ્યક્તિઓના ગળફાના નમૂનાઓ એકત્રિત કરી અદ્યતન NAAT ટેક્નોલોજી દ્વારા તપાસ કરવામાં આવી હતી. તેના પરિણામે 443 નવા ટીબી દર્દીઓની વહેલી ઓળખ કરી તેમને વિલંબ વિના સારવાર હેઠળ લેવામાં આવ્યા હતા, જે ટીબી નિયંત્રણ ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે.
આ ઝુંબેશ દરમિયાન આયોજિત આયુષ્યમાન આરોગ્ય શિબિરોમાં ભાગ લેનાર નાગરિકોને ટીબી
તપાસ ઉપરાંત બ્લડ પ્રેશર (BP), ડાયાબિટીસ, હિમોગ્લોબિન (HB) અને બોડી માસ ઇન્ડેક્સ (BMI) જેવી આરોગ્યલક્ષી તપાસો પણ સંપૂર્ણ વિનામૂલ્યે કરવામાં આવી હતી. એક જ સ્થળે વિવિધ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનોને તેનો લાભ મળ્યો હતો.
હાઈ-રિસ્ક ગામો ઉપરાંત જિલ્લાના અન્ય ગામોમાં પણ ક્ષયરોગના વહેલા નિદાન માટે ઘરે-ઘરે
સઘન સ્ક્રીનિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આરોગ્ય કર્મચારીઓએ ઘરઆંગણે જઈ ક્ષયરોગના સંભવિત લક્ષણો ધરાવતા લોકોને ઓળખી તેમને જીએમઈઆરએસ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (SDH) તથા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) ખાતે ઉપલબ્ધ સ્થાયી ચેસ્ટ એક્સ-રે સુવિધાઓ સુધી સુનિયોજિત રીતે પહોંચાડી તેમની તપાસ પૂર્ણ કરાવી હતી.
નર્મદા જિલ્લામાં ક્ષયરોગ નિર્મૂલન ક્ષેત્રે થઈ રહેલી સતત અને પરિણામલક્ષી કામગીરીના પરિણામે વર્ષ 2025 દરમિયાન જિલ્લાના કુલ 222 ગ્રામ પંચાયતોમાંથી 48 ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત ગ્રામ પંચાયત તરીકે જાહેર કરવામાં આવી હતી, જે સમગ્ર જિલ્લા માટે ગૌરવની સિદ્ધિ છે અને જનસહભાગિતા આધારિત આરોગ્ય અભિયાનની સફળતાનું ઉત્તમ ઉદાહરણ છે.
જિલ્લા આરોગ્ય વિભાગે જિલ્લાના તમામ નાગરિકોને અનુરોધ કર્યો છે કે, જો કોઈ વ્યક્તિને બે
અઠવાડિયાથી વધુ સમય સુધી ઉધરસ રહેતી હોય, સતત તાવ આવતો હોય, વજનમાં ઘટાડો થતો હોય, રાત્રે વધુ પરસેવો આવતો હોય અથવા ગળફામાં લોહી આવતું હોય, તો તેને ક્ષયરોગના લક્ષણો તરીકે અવગણવા નહીં. નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક સંપર્ક કરી વિનામૂલ્યે ટીબીની તપાસ અને સંપૂર્ણ સારવારનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ