
ભાવનગર,14 જુલાઈ (હિ.સ.)ગઢડા શહેરની માટી સાથે આજે પણ આત્મીય સંબંધ જાળવી રાખનારા અને રોજગાર-વ્યવસાય અર્થે મુંબઈ તેમજ વિદેશમાં સ્થાયી થયેલા ગઢડાના મૂળ નિવાસી જૈન પરિવારો દ્વારા શિક્ષણ ક્ષેત્રે પ્રશંસનીય સેવા કાર્ય કરવામાં આવ્યું છે. શ્રી ગઢડા મિત્રમંડળ – મુંબઈના બેનર હેઠળ કામદાર પરિવાર, અજમેરા પરિવાર, ડેલીવાળા પરિવાર સહિત અન્ય દાતાશ્રીઓના સહયોગથી ગઢડા શહેરની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ફુલસ્કેપ નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું.
આ સેવાકીય અભિયાનનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા પરિવારોના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ કરાવી શિક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો. દાતા પરિવારના પ્રતિનિધિ તરીકે મુંબઈ સ્થિત હિતેષભાઈ અજમેરાએ સમગ્ર કાર્યક્રમના આયોજન અને સંકલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમના પ્રયાસોથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
નોટબુક વિતરણ પ્રસંગે સમીરભાઈ અજમેરા, જસુભાઈ ગોસળીયા, ભરતભાઈ કામદાર અને નિલેશભાઈ ડેલીવાળા વિવિધ શાળાઓમાં ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થા વતી વિદ્યાર્થીઓને નોટબુકો અર્પણ કરી હતી. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ દાતાશ્રીઓની આ સેવાભાવનાને હર્ષભેર આવકારી હતી અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે શ્રી ગઢડા મિત્રમંડળ – મુંબઈ માત્ર શિક્ષણ ક્ષેત્રે જ નહીં, પરંતુ આરોગ્ય અને સમાજકલ્યાણના ક્ષેત્રોમાં પણ સતત સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટે પ્રતિબદ્ધ છે. સંસ્થા દ્વારા આગામી સમયમાં ગઢડા શહેરના વિકાસને ધ્યાનમાં રાખીને શિક્ષણ અને આરોગ્ય સંબંધિત અનેક નવા પ્રોજેક્ટ હાથ ધરવાની પણ યોજના છે. વતન પ્રત્યેની લાગણી અને સમાજ પ્રત્યેની જવાબદારીનું આ કાર્ય અન્ય લોકોને પણ સેવાકીય પ્રવૃત્તિઓ માટે પ્રેરણા પૂરું પાડે તેવું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA