
વડોદરા , 14 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરના આજવા રોડ પર વરસાદી પાણી અને કાદવના કારણે અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. લકુલીશ નગર વિસ્તારમાં મોપેડ સ્લીપ થતાં મહિલા અને તેની સાથે બેઠેલું બાળક રોડ પર પટકાયા હતા. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે.
વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા લકુલીશ નગર વિસ્તારમાં 6 જૂનના રોજ બનેલી અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ હવે સામે આવ્યા છે.
CCTVમાં જોવા મળે છે કે એક મહિલા પોતાના મોપેડ પર બાળક સાથે પસાર થઈ રહી હતી. તે દરમિયાન રોડ પર ભરાયેલા વરસાદી પાણી અને કાદવ-કીચડના કારણે મોપેડ પરનો કાબૂ ગુમાવતા વાહન સ્લીપ થઈ ગયું હતું.
મોપેડ સ્લીપ થતાં મહિલા રોડ પર ઘસડાઈ હતી, જ્યારે પાછળ બેઠેલું બાળક પણ નીચે પટકાયું હતું. સદનસીબે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને બંનેને ઊભા કરવામાં મદદ કરી હતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, વરસાદ બાદ રોડ પર પાણી ભરાવા અને કાદવ જામી જવાની સમસ્યા વારંવાર સર્જાય છે, જેના કારણે વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ સતત રહે છે.
આ ઘટનાએ ફરી એકવાર રસ્તાઓની જાળવણી, વરસાદી પાણીના યોગ્ય નિકાલ અને માર્ગ સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા કર્યા છે.
સદનસીબે આ અકસ્માતમાં કોઈ ગંભીર જાનહાનિ થઈ નથી, પરંતુ વરસાદી મોસમમાં પાણી ભરાયેલા અને કાદવવાળા રસ્તાઓ વાહનચાલકો માટે કેટલા જોખમી બની શકે છે તેનું આ ઘટના જીવંત ઉદાહરણ છે. સ્થાનિકોએ તંત્રને માર્ગની સ્થિતિ સુધારવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ