
સુરત, 15 જુલાઈ (હિ.સ.) : સુરત શહેરમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનની સંવેદનશીલ કામગીરીના બે પ્રેરણાદાયી બનાવો સામે આવ્યા છે. જાગૃત નાગરિકોની જાણના આધારે ટીમે મુશ્કેલીમાં મુકાયેલી બે વૃદ્ધ મહિલાઓને સમયસર મદદ પહોંચાડી હતી. એક વૃદ્ધાને સુરક્ષિત રીતે વૃદ્ધાશ્રમમાં આશરો અપાવવામાં આવ્યો, જ્યારે બીજી મહિલા આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરે તે પહેલાં જ ટીમે તેમને બચાવી પરિવાર સાથે ફરી મિલન કરાવ્યું.
પ્રથમ બનાવમાં સરથાણા વિસ્તાર પાસે આશરે 75 વર્ષની એક નિરાધાર વૃદ્ધા છેલ્લા બે દિવસથી ભટકી રહી હતી. અભયમ ટીમે સ્થળ પર પહોંચી કાઉન્સેલિંગ દ્વારા તેમની માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ નબળી યાદશક્તિના કારણે પરિવાર અથવા સરનામા અંગે કોઈ સ્પષ્ટ માહિતી મળી નહોતી. વૃદ્ધાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટીમે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમને વૃદ્ધાશ્રમમાં સુરક્ષિત આશ્રય અપાવ્યો અને તેમની આરોગ્ય સંભાળ માટે પણ સૂચનાઓ આપી.
બીજા બનાવમાં પુણા વિસ્તારમાં માનસિક તણાવમાં રહેલી એક વૃદ્ધા આત્મહત્યાનો વિચાર કરી રહી હોવાનું કાઉન્સેલિંગ દરમિયાન સામે આવ્યું હતું. અભયમ ટીમે તેમને ભાવનાત્મક સહારો આપી આ વિચારમાંથી બહાર લાવ્યા. તપાસ દરમિયાન તેમના હાથ પર લખાયેલા મોબાઇલ નંબર અને સરનામાની મદદથી પરિવારનો સંપર્ક સાધવામાં આવ્યો અને આખરે વૃદ્ધાને તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા. બંને બનાવ બાદ અભયમ ટીમે વડીલોની માનસિક સ્થિતિ પ્રત્યે સંવેદનશીલ રહેવા, તેમને એકલા ન મૂકવા અને જરૂર પડે ત્યારે તાત્કાલિક મદદ મેળવવા સમાજને અપીલ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે