

વડોદરા,15 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં વેપાર-ધંધાની ખોટના પૈસાની લેવડ-દેવડનો વિવાદ લોહિયાળ બની ગયો છે. નવ જેટલા શખ્સોએ ત્રણ વ્યક્તિ પર જીવલેણ હુમલો કરતાં 19 વર્ષીય સુમિત વણઝારાનું સારવાર દરમિયાન મોત થયું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવનો માહોલ સર્જાયો હતો. બાપોદ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને તમામ નવ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલી સુપર બેકરી નજીક વેપાર-ધંધાની ખોટના અંદાજે એક લાખ રૂપિયાની લેવડ-દેવડને લઈને બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.વિવાદ થોડા જ સમયમાં હિંસક સ્વરૂપ ધારણ કરતાં નવ જેટલા આરોપીઓએ ફરિયાદી વિક્રમભાઈ, તેમના પુત્ર શૈલેષ અને સુમિત વણઝારા પર ગડદા-પાટુ તેમજ ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હતો.
હુમલામાં શૈલેષને પીઠના ભાગે જ્યારે 19 વર્ષીય સુમિત વણઝારાને નાક અને પીઠના ભાગે ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત સુમિતને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું કરુણ મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં બાપોદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે CCTV ફૂટેજ, સાક્ષીઓના નિવેદનો અને અન્ય ટેક્નિકલ પુરાવાના આધારે ઝડપી કાર્યવાહી કરીને કુલ નવ આરોપીઓને ઝડપી પાડ્યા છે.પોલીસે તમામ આરોપીઓ સામે હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યુવકના મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કિશનવાડી વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.માત્ર પૈસાની લેવડ-દેવડનો વિવાદ એક યુવાનનો જીવ લઈ ગયો. પોલીસે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, જ્યારે સમગ્ર ઘટનાના અન્ય પાસાઓની પણ તપાસ ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ