
વડોદરા , 15 જુલાઈ (હિ.સ.)
વડોદરા શહેરમાં ભેળસેળયુક્ત અને અસુરક્ષિત ખાદ્યપદાર્થો સામે મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં કરવામાં આવેલી આકસ્મિક તપાસ દરમિયાન શંકાસ્પદ રિફાઇન્ડ પામોલીન તેલનો મોટો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખા (ફૂડ સેફ્ટી વિભાગ) દ્વારા, શહેરના વિવિધ વિસ્તારોમાં અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન અધિકારીઓએ રૂ.1.53 લાખથી વધુ કિંમતનું અંદાજે 967 કિલો શંકાસ્પદ રિફાઇન્ડ પામોલીન તેલ જપ્ત કરી સીઝ કર્યું છે.
આ કાર્યવાહી દરમિયાન હરણી રોડ સ્થિત 'આશાપુરા પ્રોટીન્સ' ખાતે પણ ફૂડ સેફ્ટી ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તેલના નમૂનાઓ લઈ વધુ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
ફૂડ સેફ્ટી વિભાગના જણાવ્યા મુજબ, ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સલામતી જળવાઈ રહે તે માટે શહેરમાં આવા અચાનક નિરીક્ષણો આગળ પણ ચાલુ રહેશે. જો તપાસમાં ખાદ્ય સુરક્ષા નિયમોનો ભંગ સાબિત થશે તો સંબંધિત સંચાલકો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
નાગરિકોને શુદ્ધ અને સુરક્ષિત ખોરાક મળે તે માટે મહાનગરપાલિકાએ ભેળસેળ અને શંકાસ્પદ ખાદ્યપદાર્થો સામે ઝુંબેશ વધુ સઘન બનાવવાના સંકેત આપ્યા છે. હવે લેબોરેટરી રિપોર્ટ બાદ સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ