

વડોદરા , 15 જુલાઈ (હિ.સ.) વિકલાંગ મહિલાઓને આત્મનિર્ભર બનાવી સમાજમાં નવી ઓળખ અપાવવાના હેતુથી વડોદરામાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર ડિફરન્ટલી એબલ્ડ વુમન અને હેલ્ધી કેમ્પસ એનજીઓના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં મોડેલિંગ અને વ્યક્તિત્વ વિકાસ અંગે વિશેષ તાલીમ આપવામાં આવી હતી.
વડોદરા સ્થિત નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર ડિફરન્ટલી એબલ્ડ વુમન (ભારત સરકાર, શ્રમ અને રોજગાર મંત્રાલય) અને હેલ્ધી કેમ્પસ એનજીઓના સંયુક્ત ઉપક્રમે વિકલાંગ મહિલાઓના સશક્તિકરણ માટે પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમનો મુખ્ય હેતુ વિકલાંગ મહિલાઓને વિવિધ કૌશલ્યોમાં તાલીમ આપી તેમને આત્મનિર્ભર બનાવવાનો તેમજ રોજગાર અને કારકિર્દીની નવી તકો સાથે જોડવાનો હતો.
કાર્યક્રમ અંતર્ગત મોડેલિંગ વિષયક વિશેષ વર્કશોપ યોજાયો હતો, જેમાં સહભાગી મહિલાઓને વ્યક્તિત્વ વિકાસ, આત્મવિશ્વાસ વધારવાની રીતો, સ્ટેજ પ્રેઝન્સ, પ્રસ્તુતિ કૌશલ્ય અને મોડેલિંગ ક્ષેત્રની જરૂરી માહિતી આપવામાં આવી હતી.
આયોજકોના જણાવ્યા મુજબ, આવી પહેલ દ્વારા વિકલાંગ મહિલાઓને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની, સમાજમાં મજબૂત ઓળખ ઉભી કરવાની અને મોડેલિંગ સહિત વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવાની નવી તકો મળશે.
કાર્યક્રમમાં શ્રમ વિભાગના અધિકારીઓ, હેલ્ધી કેમ્પસ એનજીઓના પ્રતિનિધિઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ વક્તાઓએ જણાવ્યું હતું કે વિકલાંગ મહિલાઓના સર્વાંગી વિકાસ માટે આવા સશક્તિકરણના કાર્યક્રમો સમયની મહત્વપૂર્ણ જરૂરિયાત છે.
આત્મવિશ્વાસ, કૌશલ્ય અને યોગ્ય માર્ગદર્શન મળે તો કોઈપણ વ્યક્તિ પોતાની ઓળખ બનાવી શકે છે. વડોદરામાં યોજાયેલો આ કાર્યક્રમ વિકલાંગ મહિલાઓને આત્મનિર્ભરતા તરફ આગળ વધારતી એક પ્રેરણાદાયી પહેલ તરીકે સાબિત થયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ