
જામનગર, 15 જુલાઈ (હિ.સ.) : જામનગરના પંચકોશી એ-ડિવિઝન પોલીસ મથક હેઠળના એક ગામે 15 વર્ષની સગીરા પર દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવતા પંથકમાં ચકચાર મચી છે. સગીરાની માતાની ફરિયાદના આધારે ગામમાં જ રહેતા એક શખ્સ સામે પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે. કોર્ટમાં રજૂ કર્યા બાદ આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે.
પોલીસ ફરિયાદ મુજબ, આરોપી વિજય નામના શખ્સે સગીરાને પ્રેમ સંબંધની લાલચ આપી છેલ્લા આશરે એક વર્ષથી અલગ-અલગ સમયે તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલો બહાર આવતા સગીરાની માતાએ પંચકોશી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે પોલીસે પોક્સો એક્ટ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે આરોપી વિજય ટોયટાની ધરપકડ કરી વધુ પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટના આદેશ બાદ આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt