
ભાવનગર, 15 જુલાઈ (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવેલું પોરબંદર રેલવે સ્ટેશન ભારત સરકારની મહત્ત્વાકાંક્ષી અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત આધુનિક, સુરક્ષિત અને મુસાફર-કેન્દ્રિત સ્વરૂપે વિકસાવવામાં આવ્યું છે. મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ અંદાજે ₹7 કરોડથી વધુના ખર્ચે હાથ ધરાયેલા વ્યાપક વિકાસ કાર્યો બાદ સ્ટેશન હવે આધુનિક માળખાકીય સુવિધાઓ, અદ્યતન મુસાફર સુવિધાઓ અને આકર્ષક સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ બની ઊભર્યું છે.
પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે સ્ટેશનના પુનર્વિકાસ હેઠળ મુસાફરોની સુવિધા અને સરળ અવરજવરને પ્રાથમિકતા આપીને નવા આગમન હોલ (Arrival Hall), વિશાળ પ્રતીક્ષાલય (Waiting Hall), આધુનિક શૌચાલય બ્લોક, પોર્ચ, અલગ પ્રવેશ અને નિર્ગમ દ્વાર તેમજ ચાર યાત્રી શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઉપરાંત પ્લેટફોર્મનું વિસ્તરણ કરીને મુસાફરોની અવરજવર વધુ સુલભ બનાવવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્ટેશન પરિસરના સર્ક્યુલેટિંગ એરિયાનું સર્વાંગી વિકાસ, આકર્ષક ફસાડ લાઇટિંગ, આધુનિક સાઇનેજ, કોચ ગાઇડન્સ ડિસ્પ્લે બોર્ડ તેમજ અદ્યતન પેસેન્જર એનાઉન્સમેન્ટ સિસ્ટમ જેવી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના કારણે મુસાફરોને વધુ સારી માહિતી અને સરળ મુસાફરીનો અનુભવ મળશે.
સ્ટેશન બિલ્ડિંગના બાહ્ય સ્વરૂપનું સંપૂર્ણ આધુનિકીકરણ કરીને તેને આકર્ષક અને સૌંદર્યમય બનાવવામાં આવ્યું છે. સાથે જ દ્વિચક્રી અને ચતુર્ચક્રી વાહનો માટે અલગ પાર્કિંગ વ્યવસ્થા વિકસાવવામાં આવી છે, જેના કારણે સ્ટેશન પરિસરમાં વાહનવ્યવહારનું વધુ અસરકારક સંચાલન શક્ય બન્યું છે.
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સુગમ્ય ભારત અભિયાનની ભાવનાને અનુરૂપ દિવ્યાંગજનો માટે પણ વિશેષ સુવિધાઓ વિકસાવવામાં આવી છે. તેમાં દિવ્યાંગ-મૈત્રીપૂર્ણ હેલ્પ બૂથ, શૌચાલય, વોટર બૂથ, રેમ્પ, વિશેષ ટિકિટ કાઉન્ટર, યોગ્ય સાઇનેજ તેમજ અનામત બેઠક વ્યવસ્થાનો સમાવેશ થાય છે, જેથી તમામ મુસાફરોને સમાન રીતે સુવિધાજનક અને સન્માનજનક મુસાફરીનો અનુભવ મળી શકે.
મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ તેમજ ભગવાન શ્રીકૃષ્ણના પરમ મિત્ર સુદામાની જન્મભૂમિ તરીકે વિશ્વવિખ્યાત પોરબંદર દેશના દિલ્હી, મુંબઈ, કોલકાતા, સિકંદરાબાદ, તિરુવનંતપુરમ, મુઝફ્ફરપુર સહિત અનેક મહત્ત્વપૂર્ણ શહેરો સાથે સીધી રેલ કનેક્ટિવિટી દ્વારા જોડાયેલું છે. વધુ સારી રેલ કનેક્ટિવિટીના પરિણામે વિસ્તારના વેપાર, પ્રવાસન, શિક્ષણ તેમજ સામાજિક-આર્થિક પ્રવૃત્તિઓને નવી ગતિ મળી રહી છે અને મુસાફરોને સુરક્ષિત, આરામદાયક તથા સુવિધાસભર રેલ મુસાફરીનો લાભ મળી રહ્યો છે.
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પોરબંદર રેલવે સ્ટેશનનું આ પુનર્વિકાસ કાર્ય ભારતીય રેલવેની મુસાફર-કેન્દ્રિત, આધુનિક અને સર્વસમાવેશક માળખાકીય સુવિધાઓ વિકસાવવાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ સ્ટેશન વિસ્તારના વિકાસ, પ્રવાસન પ્રોત્સાહન અને વધુ ઉત્તમ રેલ સેવાઓની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ સાબિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ