મંત્રેશ–બાલા હનુમાન રિંગ રોડ પર નાળાં અને બોક્સ કલવર્ટના કામની કમિશનરે કરી સ્થળ મુલાકાત
ભાવનગર,15 જુલાઈ (હિ.સ.)ભાવનગર મહાનગરપાલિકાના માનનીય કમિશનર, બીએમસીની અધિકારી ટીમ તથા સ્થાનિક નગરસેવકો દ્વારા શહેરના મંત્રેશથી બાલા હનુમાન તરફ જતા રિંગ રોડ પર બાલયોગીનગર પંપિંગ સ્ટેશન પાસે પસાર થતા નાળા અને બોક્સ કલવર્ટની સ્થળ પર મુલાકાત લેવામાં આવી
મુલાકાત લેતા કમિશનર


ભાવનગર,15 જુલાઈ (હિ.સ.)ભાવનગર મહાનગરપાલિકાના માનનીય કમિશનર, બીએમસીની અધિકારી ટીમ તથા સ્થાનિક નગરસેવકો દ્વારા શહેરના મંત્રેશથી બાલા હનુમાન તરફ જતા રિંગ રોડ પર બાલયોગીનગર પંપિંગ સ્ટેશન પાસે પસાર થતા નાળા અને બોક્સ કલવર્ટની સ્થળ પર મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન વરસાદી પાણીના નિકાલની હાલની સ્થિતિનું નિરીક્ષણ કરી જરૂરી કામગીરી અંગે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.

સ્થળ નિરીક્ષણ દરમિયાન કમિશનરે માર્ગ પર આવેલા નાળાને કારણે સર્જાતી સમસ્યાઓને ધ્યાનમાં રાખી તાત્કાલિક ધોરણે પાઇપ કલવર્ટ અથવા આર.સી.સી. બોક્સ કલવર્ટ બનાવી કામ ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી. વરસાદી મોસમ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય અને વાહનચાલકો તેમજ સ્થાનિક રહેવાસીઓને મુશ્કેલી ન પડે તે માટે કામગીરીને પ્રાથમિકતા આપવાનો નિર્દેશ પણ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત બાલયોગીનગર પંપિંગ સ્ટેશનથી સોમનાથ વિસ્તાર તરફ આવેલા હાલના નાળામાં જ્યાં અવરોધો સર્જાયા છે તેને દૂર કરી નાળાને સંપૂર્ણ ખુલ્લો કરવા સંબંધિત વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. વરસાદી પાણીનો સરળતાથી નિકાલ થાય અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી ન થાય તે માટે અધિકારીઓને સતત દેખરેખ રાખવા પણ જણાવાયું હતું.

સ્થળ મુલાકાત દરમિયાન અધિકારીઓએ વિસ્તારની વર્તમાન સ્થિતિ અંગે માહિતી આપી હતી અને જરૂરી સુધારાત્મક કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી વ્યક્ત કરી હતી. મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વરસાદી પાણીના અસરકારક નિકાલ માટે વિવિધ સ્થળોએ નાળાં, કલવર્ટ અને ડ્રેનેજ સંબંધિત કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ કામગીરી પૂર્ણ થતાં રિંગ રોડ પર ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ બનશે તેમજ આસપાસના રહેણાંક વિસ્તારોને પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યામાંથી નોંધપાત્ર રાહત મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande