ડમી શાળાઓની ફરિયાદ બાદ શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીની તપાસ કરવા ડીઇઓનો આદેશ
અમદાવાદ, 15 જુલાઇ (હિ.સ.) : અમદાવાદમાં ડમી વિદ્યાર્થીઓના આધારે ચાલતી હોવાની ફરિયાદને પગલે રાજ્ય સરકારનું શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. ડીઇઓ દ્વારા અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીની ચકાસણી કરવા શિક્ષણ નિરીક્ષકો અને મદદનીશ શિક્ષણ ન
ડમી શાળાઓની ફરિયાદ બાદ શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીની તપાસ કરવા ડીઇઓનો આદેશ


અમદાવાદ, 15 જુલાઇ (હિ.સ.) : અમદાવાદમાં ડમી વિદ્યાર્થીઓના આધારે ચાલતી હોવાની ફરિયાદને પગલે રાજ્ય સરકારનું શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. ડીઇઓ દ્વારા અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીની ચકાસણી કરવા શિક્ષણ નિરીક્ષકો અને મદદનીશ શિક્ષણ નિરીક્ષકોને આદેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને શહેરની કેટલીક શાળાઓ ડમી વિદ્યાર્થીઓના આધારે ચાલતી હોવાની ફરિયાદ મળી હતી.

વિદ્યાર્થીઓ નિયમિત હાજર ન રહેતા હોવાની ફરિયાદોને ગંભીરતાથી લઈ જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શિક્ષણ નિરીક્ષકો અને મદદનીશ શિક્ષણ નિરીક્ષકોને શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવા સૂચના આપી છે. ત્યારે તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની વાસ્તવિક હાજરી ચકાસી તેના રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

શહેરની કેટલીક શાળાઓમાં ડમી શાળાઓ ચલાવાતી હોવા તેમજ માત્ર કાગળ પર જ વિદ્યાર્થીઓના પ્રવેશ દર્શાવવામાં આવતા હોવાની ફરિયાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સુધી પહોંચતા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. ત્યારે શાળાઓમાં નિરીક્ષણ દરમિયાન હાજરી રજિસ્ટર, દૈનિક હાજરી, વર્ગખંડમાં હાજર વિદ્યાર્થીઓની સંખ્યા તેમજ પ્રવેશ નોંધ સાથે વાસ્તવિક સ્થિતિની સરખામણી કરીને વિગતવાર અહેવાલ રજૂ કરવા પણ આદેશ કરવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓની પૂરતી હાજરી નહીં હોય તો કાર્યવાહી કરાશે

કેટલીક શાળાઓમાં બોર્ડની પરીક્ષા અથવા અન્ય કારણોસર વિદ્યાર્થીઓ માત્ર નામમાત્ર પ્રવેશ લઈને અન્યત્ર અભ્યાસ કરતા હોવાની ફરિયાદો પણ મળી હતી. જેથી ફરિયાદના આધારે શાળાઓમાં શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે કે નહીં અને નોંધાયેલા વિદ્યાર્થીઓ નિયમિત રીતે હાજર રહે છે કે નહીં તેની ખાતરી કરવા શિક્ષણ નિરીક્ષક દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જો શાળાઓમાં નોંધાયેલા વિદ્યાર્થીઓની પૂરતી હાજરી નહીં જોવા મળે તો ડમી શાળા ચાલતું હોવાની સમજી તેની સામે કડક કાર્યવાહી કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે.

'ફરિયાદ મળી છે, શાળાઓ વિદ્યાર્થીઓની હાજરી વિના ચાલી રહી છે'

અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ જ્યારે શૈક્ષણિક સત્ર શરૂ થાય ત્યારે તમામ શાળાઓમાં તપાસ કરવામાં આવતી હોય છે. તેમજ સમયાંતરે શાળાઓમાં શિક્ષણ નિરીક્ષક અને મદદનીશ શિક્ષણ નિરીક્ષક દ્વારા ચકાસણી કરવામાં આવતી હોય છે. તેમજ કેટલીક ફરિયાદ મળી છે કે શાળાઓ વિદ્યાર્થીઓની હાજરી વગર ચાલી રહી છે. જેથી ફરિયાદને ધ્યાને લઈને શહેરની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી ચેક કરવા માટે શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

વધુમાં રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, ફરિયાદોને ધ્યાને લઈને જે પણ શાળાઓમાં વિદ્યાર્થીઓની પૂરતી હાજરી ન હોય અને ડમી શાળા ચાલતી હોય તેવી શાળાઓનો રિપોર્ટ તૈયાર કરીને આપવા માટે પણ શિક્ષણ નિરીક્ષક અને મદદનીશ શિક્ષણ નિરીક્ષકને સૂચના આપવામાં આવી છે. તેમજ શાળાઓને પણ જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓની ગેરહાજરી બાબતે પૂરતી તકેદારી રાખવામાં આવે અને વિદ્યાર્થી શાળાએ ન આવે તો વાલીઓને સંપર્ક કરવા પણ સૂચના આપવામાં આવી છે. તેમજ ડમીનું દૂષણ ન ચાલે તે માટેના તમામ પ્રયાસ કડક આદેશ શાળાઓને કરવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande