
જામનગર, 15 જુલાઈ (હિ.સ.) : જામનગર તાલુકાના વિભાપર ગામની 12 વર્ષની બાળકીના અપહરણની ઘટનાને લઈને સમગ્ર દલિત સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી છે. ઘટનાના વિરોધમાં જામનગર જિલ્લા દલિત સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજના લોકો દ્વારા ગઈકાલે મંગળવારે શહેરના લાલ બંગલા સર્કલ ખાતે મૌન ધરણા અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ધરણા દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ બાળકીને વહેલી તકે સુરક્ષિત શોધી કાઢવા, અપહરણમાં સંડોવાયેલા આરોપીની તાત્કાલિક ધરપકડ કરવા તેમજ સમગ્ર કેસમાં ઝડપી અને નિષ્પક્ષ તપાસ હાથ ધરી જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી.
સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આ પ્રકારની ગંભીર ઘટના સમાજ માટે ચિંતાજનક છે અને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે પોલીસ તંત્રે વધુ સતર્કતા દાખવવી જરૂરી છે. તેમણે બાળકીને સુરક્ષિત પરત લાવવા માટે તમામ ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરી તપાસ ઝડપી બનાવવા અપીલ કરી હતી.
લાલ બંગલા સર્કલ ખાતે યોજાયેલા મૌન ધરણામાં મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો, સામાજિક કાર્યકરો અને નાગરિકો જોડાયા હતા. ઉપસ્થિતોએ હાથમાં બેનરો સાથે બાળકીને ન્યાય મળે, આરોપીઓને કડક સજા થાય અને આવી ઘટનાઓ સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો હતો.
ધરણા બાદ પોલીસ તંત્ર અને જિલ્લા વહીવટીતંત્રને આવેદનપત્ર પાઠવી બાળકીને વહેલી તકે સુરક્ષિત પરત લાવવા તેમજ સમગ્ર ઘટનામાં ન્યાયસંગત અને ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt